આણંદ જિલ્લા પંચાયત માં વિવિધ શાખા કચેરી પૈકી ખેતીવાડી વિભાગ ખૂબ મહત્વનો ભાગ છે. જેમાં અનેક સરકારની સહાય લક્ષી યોજનાનો લાભ મળે તે માટે જન સેવા કેન્દ્ર નો પ્રારંભ કરાયો હતો. જેમાં કોમ્પ્યુટર ઓપરેટરની નિમણુક કરવામાં અખાડા કરવામાં આવી રહ્યા છે. આણંદ જિ. પંચાયતના પશુપાલન અને ખેતી વાડી શાખા સમગ્ર જિલ્લા માટે મહત્વની કચેરી છે. પાક, બિયારણ, ખાતર, શેડ, સાધન સહાયથી માંડીને ખેતીમાં નુકશાની વળતર વગેરે માટે ખેડૂતો ને ઓન લાઈન અરજી કરવાની ફરજ પડે છે.
જેમાં જિલ્લા પંચાયત કચેરીએ આવતા ખેડૂત અરજદારોને એક જ જગ્યાએથી જરૂરી માર્ગદર્શન અને અરજી કરી શકે તે હેતુથી ઓક્ટોમ્બર માં કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રદિપભાઈ પટેલના પ્રયાસોથી જન સેવા કેન્દ્રનો પ્રારંભ થયો હતો. અગાઉ આ જન સેવા કેન્દ્ર હાલમાં જ્યાં આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવે છે તે જ વિભાગમાં શરૂ કરવામાં આવ્યું હતું. જોકે જગ્યા સાંકડી થતાં જન સેવા કેન્દ્ર માટે અલાયદી સામેની બાજુમાં વ્યવસ્થા કરવામાં. આવી છે. અરજદારો માટે બેઠક વ્યવસ્થા, કોમ્પ્યુટર ઓપરેટર સાથે જન સેવા કેન્દ્રનુ આયોજન શોભાના ગાંઠીયા સમાન બન્યું છે . આ અંગે થઈ રહેલ ચર્ચા મુજબ બે ઓપરેટરની નિમણુંક કરવાની હતી.
એપ્રિલથી બે ઓપરેટરની નિમણૂંક કરાશે
ખેતીવાડી અધિકારી ચિંતનભાઈ પટેલે આ અંગે વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે હાલ કોઈ યોજના કાર્યરત નથી. આગામી સમયમાં ખેતી,પશુપાલન અને બાગાયત સંદર્ભે અરજી ઉપરાંત માર્ગ દર્શન મળી રહે તે માટે અન્ય બે ઓપરેટરની નિમણુક કરવામાં આવનાર છે. જોકે હાલ કોઈ અરજદાર આવતા નથી જેના પગલે એક જ ઓપરેટરને જવાબદારી આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.