ચોરી:મોગરમાં ઘરકામ કરવા આવતી યુવતીએ જ ઘરમાંથી 6 લાખ રૂપિયાની રકમ સેરવી લીધાનો ખુલાસો

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાન માલિકના કબાટમાંથી કટકે કટકે રકમ સેરવી લીધી, હિસાબોમાં ઘટ પડતા મામલાનો ઘટસ્ફોટ થયો

આણંદના મોગર ગામે રહેતા ખેતી સાથે વર્મી કમ્પોઝ ખાતરનો વ્યવસાય કરતાં ખેડૂતના ઘરે કામ કરવા આવતી મહિલાએ છએક માસ દરમિયાન રૂ.છ લાખની ચોરી કરી હતી. જોકે, હિસાબો દરમિયાન રોકડની ઘટ મળતાં આ મામલાનો ઘટસ્ફોટ થયો હતો. આ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોગર ગામે રહેતા જીતેન્દ્રસિંહ સોલંકી પાસે 30 વિઘા જમીન છે, જેનો વહીવટ તેઓ કરે છે. આ ઉપરાંત વર્મિ કમ્પોઝ ખાતરનું ઉત્પાદન કરી તથા પેકીંગ કરી વેચાણ કરતાં હતાં. આ વ્યવસાય પેટે જે કાઇ રકમ આવે તે જીતેન્દ્રસિંહ પોતાના રૂમમાં આવેલા કબાટમાં મુકતાં હતાં. જોકે, તેઓ એકલા રહેતા હોવાથી ઘરકામ માટે મિત્તલ મહીજીભાઈ સોલંકી નામની યુવતી રાખી હતી. જે સવારના દસેક વાગે ઘરે આવતી હતી અને કામકાજ પતાવી બારેક વાગે જતી રહેતી હતી. તે જીતેન્દ્રસિંહના રૂમમાં પણ આવતી જતી હોવાથી કબાટની ચાવી ક્યાં રાખે છે ? તે બાબત જાણતી હતી. આ તકનો લાભ લઇ તેણે તિજોરીમાંથી નાણા સેરવાનું શરૂ કરી દીધું હતું.

મહત્વનું છે કે લગભગ છ માસના ગાળામાં આ યુવતીએ છ લાખ રૂપિયા જેવી રકમની ચોરી કરી હતી. આ બાબતની અજાણ જીતેન્દ્રસિંહએ તાજેતરમાં આવક - જાવકના હિસાબો તપાસતા છ લાખની ઘટ પડી હતી. આથી, જીતેન્દ્રસિંહને કામ કરવા આવતી મિત્તલ મહીજીભાઈ સોલંકી પર શંકા જતાં તપાસ હાથ ધરી હતી. જેમાં મિત્તલ છેલ્લા કેટલાક સમયથી બજારમાં મોટી મોટી ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આથી, શક પાકો થતાં તેઓએ વાસદ પોલીસ મથકે મિત્તલ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...