ઉમરેઠના સૈયદ પુરા મોટી નહેરમાં હત્યા કરી ફેંકી દેવાયેલી મહિલાના કેસમાં તેના પતીની બાંગ્લાદેશ એરપોર્ટ ઉપર ધરપકડ કરવામાં આવી છે. તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો છે અને તેને ટુંકમાં જ આણંદ લાવવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે. ગત તા7મીના રોજ સૈયદપુરા ગામની મોટી નહેરમાંથી એક અજાણી યુવતીનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
નહેરની નજીકથી ઈકો કાર પણ મળી હતી જેના આધારે તેના માલીકની ઓખળ થઈ તેમની પુછતાછમાં કાર લઈ જનાર ઉત્તરસંડાના જેક્સન મેકવાન અને દિનેશ મેકવાનની ધરપકડ થઈ આ બન્નેની પુછતાછમાં બહાર આવ્યું કે યુવતીનું નામ સલ્મા હતુ અને તેની હત્યા મૂળ પશ્ચીમ બંગાળના મીન્ટુ ઉર્ફે જમાલ અહેમદ અલી મલેક હાલ રહે ચકલાસી બાગેચીસ્તીયા સોસાયટીએ કરી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેને શોધવા ભારે જહેમત કરી હતી. બીજી બાજુ પોલીસે યુવતીના ફોનની તપાસ કરી જેમાં વોટ્સએપ ઉપરથી ફોટા મળ્યા હતા. આ ઘટનાની જાણ બાંગ્લાદેશ રહેતા તેના પરીવારને પણ થઈ એટલે પરિવારે તુરંત ત્યાંના પોલીસ થાણાનો સંપર્ક કરી બાંગ્લાદેશ એરપોર્ટ ઉપર વોચ ગોઠવાવી ત્યારે સલમા સાથે વડોદરા રહેનાર તેના પતી કામરુલ યુનુસઅલી ઈસ્લામની એરપોર્ટથી બહાર આવતાં જ પોલીસે ધરપકડ કરી પોલીસે તેની પુછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેણે તેની પત્ની સલમા ખાતુનની હત્યા કરી છે.
કારણમાં સલમાએ ચકલાસી રહેતો મીન્ટુ ઉર્ફે જમાલ પોતાને ગમતો હોવાનું જણાવ્યું હતું જેથી કામરુલને લાગી આવ્યું હતું તેનું પૌરુષી દિમાગ થથર્યું પોતાની પત્નીને મીન્ટુ પડાવી લેશે તેવું લાગતાં તેણે ગત તા. 6ના રોજ રાત્રે ચકલાસીમાં જ પત્ની સલમા ખાતુનની હત્યા કરી ભાગી ગયો હતો. બાંગ્લાદેશ પોલીસે તેમના દેશમાં આવેલી એમ્બેસીને જાણ કરી એમ્બેસીએ આ ઘટનાની જાણ આણંદ જિલ્લા પોલીસને કરતાં તુરંત બાગ્લાદેશ પોલીસ સાથે વાતચીત કરતાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે સલમા ખાતુનનો મૃતદેહ હાલમાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.
ભારત સ્થીત બાંગ્લાદેશ એમ્બેસીને આ અંગેની જાણ કરી દીધી છે. ભારત અને બાંગ્લાદેશ બન્ને દેશમાં કાર્યરત એમ્બેસી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સલમાના મૃતદેહને બાંગ્લાદેશ મોકલવાની તજવીજ હાથ ધરી છે. સલમાનો હત્યારો તેનો પતી કામરુલ હાલ બાંગ્લાદેશ છે. તેને પણ ત્યાંથી અહીં લાવવા માટે કાગળીયાં કરવાં પડશે તેના માટે કાર્યવાહી ચાલુ કરી દેવાઈ છે. પોલીસે ઉમેર્યું હતું કે સલમા ખાતુનની હત્યા બાદ તેની જાણ પોલીસને કરવાની જગ્યાએ મીન્ટુ ઉર્ફે જમાલે તેના નીકાલની ગોઠવણ કરી હતી તે પણ ગુનેગાર છે અને તેને ઝડપવા પોલીસની ટીમો કામે લાગેલીજ છે. અને તેને પણ પકડી લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.