કોર્ટનો નિર્ણય:આધેડની હત્યા કરનારા વાલવોડના ઈસમને આજીવન કેદની સજા ફટકારી

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ અગાઉના કેસમાં 15 સાક્ષીઓ પૈકી બે સાક્ષી હોસ્ટાઈલ જાહેર થયા હતા

બોરસદ તાલુકાના વાલવોડમાં બે વર્ષ અગાઉ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં શખસે 50 વર્ષીય આધેડની હત્યા કરી નાંખી હતી. આણંદ જિલ્લા કોર્ટે આ બનાવમાં હત્યા કરનારા શખસને આજીવન કેદ અને રૂપિયા 1200નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા ફટકારી હતી.

વાલવોડ જૂની ભાગોળમાં ભાઈલાલભાઈ ધુળાભાઈ ઠાકોર રહેતા હતા. વર્ષ 2019માં 11મી એપ્રિલના રોજ તેઓ વાલવોડ મેલડી માતાવાળા ફળીયા પાસેથી પસાર થતા હતા. દરમિયાન એ સમયે અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીની રીસ રાખીને વાલવોડમાં જ રહેતા પ્રવિણ ઉર્ફે પલીયો રાયસીંગ સોલંકીએ તેમના પર કોદાળીથી હુમલો કર્યો હતો. કોદાળીની મુદળ જમણી બાજુ બરડાના ભાગે તેમજ જમણા પગે ઢીંચણે મારી દેતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ બનાવ સંદર્ભે એ સમયે ભાદરણ પોલીસે પ્રવિણ વિરૂદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ કેસની ચાર્જશીટ કોર્ટમાં રજૂ થયા બાદ કેસ આણંદ જિલ્લા કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલ એન. પી. મહીડા દ્વારા 15 સાક્ષીઓ અને 33 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. 15 સાક્ષી પૈકી બે સાક્ષી ટ્રાયલ દરમિયાન ફરી ગયા હતા. જોકે, દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને આણંદ જિલ્લા કોર્ટે આરોપીને આજીવન કેદ અને રૂપિયા 1200નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...