સિંચાઇ વિભાગ હસ્તક આવેલી કેનાલોમાં સાફસફાઇના અભાવે ગાબડા પડવાની બુમો ઉઠી રહી છે. ત્યારે નહેરોમા તિરાડો પડતી અટકાવવા માટે ઝાડીઝાંખરા- ઘાસચારો સાફ સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જો કે દર વર્ષે ઉનાળુ સીઝન નહોરની સાફ સફાઇ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.જેના પગલે ખેડૂતોને અંતરિયાળ સુધીના દુર દુરના ખેતરોમાં પુરતા પ્રેસરથી પાણી મળી રહેશે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લામાં તારાપુર, ઉમરેઠ અને બોરસદ સહિતના વિસ્તારમાં અવારનવાર કેનાલોમાં ગાબડા પડવાને કારણે ખેતરોમાં પાણી ઘુસી જતાં ભારે નુકશાન થાય છે. તાજેતરમાં ઉમરેઠ તાલુકાના સુરેલી સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડુ પડતાં તમાકુ સહિતના પાકને નુકશાન થયું હતું. જેથી ખેડૂતોમાં રોષની લાગણી ઉઠવા પામી હતી. દરવર્ષે ઉનાળામાં સિંચાઇ વિભાગ દ્વારા સાફ સફાઇ કરવામાં આવતી હોવા છતાં અવાર નવાર ગાબડા પડતાં ખેતી પાક નુકશાન થાય છે. તેમજ ઝાડીઝાંખરાને કારણે છેવાડાના ગામો સુધી કેનાલના પાણી પહોંચતા નથી.તેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સિંચાઇ વિભાગ દ્વારા હાલમાં લાંભવેલ,બોરીઆવી તરફ પસાર થતી કેનાલમાં ઝાડીઝાંખરા વધુ ઉગી નીકળ્યા હોવાથી જેસીબી મશીનથી સાફ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જેના પગલે નહેરોમાં પાણી બંધ કરવાના બદલે ઓછા પ્રેસરથી છોડવામાં આવી રહ્યું છે.
આ અંગે આણંદ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.પી.ગંભીરકરે જણાવ્યું હતું કે, હાલમાં આણંદ જિલ્લામાં મહી સિંચાઇ હસ્તક આવેલ પેટલાદ અને બોરસદ પંથકની નહેરોમાં જેસીબી મશીનથી સાફ સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના લીધે પાણીનું લીકેઝ અટકી જશે. ટુંક સમયમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. જેનાથી ખેડૂતોને પૂરતા પ્રેશરમાં ખેતરોમાં ખેતી પાકને પાણી મળી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.