યુથ ફેસ્ટીવલ 2022:સરદાર પટેલ યુનિવર્સિટીમાં આંતર કોલેજ યુથ ફેસ્ટિવલનું આયોજન, 850 વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા છેલ્લા 32 વર્ષથી નિયમિતપણે યોજાતો આંતર કોલેજ યુથ ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારંભ માનવ વિદ્યાભવનના પટાંગણ ખાતે શુક્રવારના રોજ જાણીતા ગુજરાતી કલાકાર રૂપા દિવેટીયાના મુખ્ય મહેમાન પદે તથા સરદાર પટેલ યુનિવર્સિટીના કા. કુલપતિ પ્રો. નિરંજન પટેલની અધ્યક્ષતામાં યોજાયો. આ વર્ષના યુથ ફેસ્ટિવલના સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો તથા અનુસ્નાતક વિભાગોમાંથી 71 કોલેજો અને અનુસ્નાતક વિભાગોમાંથી કુલ 850 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ યુથ ફેસ્ટિવલમાં થીયેટર, લીટરરી ઈવેન્ટ, મ્યુઝિક, ફાઈન આર્ટસ અને ડાન્સની કુલ 5 કેટેગરીમાંથી અલગ-અલગ 25 વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

સાંસ્કૃતિક પ્રોગ્રામ વિદ્યાર્થીઓમાં રહેલી કલાને બહાર લાવે છે
વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝિંગ કમિટિના ચેરમેન ડો. વી. એમ પાઠક, સરદાર પટેલ યુનિવર્સિટીના કલ્ચરલ કો-ઓર્ડિનેટર ડો. ગુરસેવકસિંગ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ, ડો. ભાઈલાલ પટેલ સહિત સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો, સંલગ્ન કોલેજોના આચાર્યો, યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક વિભાગના અધ્યક્ષો તથા વહીવટી વિભાગના વડાઓ સહિત વિશાળમાત્રામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં ડો. વી. એમ. પાઠકે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક પ્રોગ્રામ વિદ્યાર્થીઓમાં રહેલી કલાને બહાર લાવે છે.

શિક્ષણ પર પ્રતિભા આ પ્રકારના યુથ ફેસ્ટીવલથી ખીલે છે
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજર રૂપા દિવેટીઆએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ઈશ્વરની અસીમ કૃપા હોય તે કલાકાર બની શકે છે. તમે જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રને ઉજાળો અને સમાજને કંઈક આપો. તમારામાં જે કઈ કલા છે તેને વિસ્તારો, પ્રસારો અને બીજાને પણ આપો અને આ વાત કરતાં તેમણે બધાને પોતાની કળામાં આગળ વધવા શુભેચ્છાઓ આપી હતી. વધુ પ્રોફ. નિરંજન પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં શિક્ષણથી પર પ્રતિભા આ પ્રકારના યુથ ફેસ્ટીવલથી ખીલે છે. ગુજરાત સરકાર પણ આગામી સમયમાં આ પ્રકારના આંતર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ યોજવા જઈ રહી છે. આ સૌ પોતાની કલાને સારી રીતે વ્યક્ત કરજો તેવી શુભેચ્છાઓ.

યુવાનોએ સ્વપ્ન સેવવા પડશે
આ સમારંભના અંતે યુનિવર્સિટીના કુલસચિવ, ડૉ. ભાઈલાલ પટેલે આભાર વિધિ કરતાં જણાવ્યું હતું કે, યુવાનોએ દેશની ઉન્નતિ, સંસ્કૃતિ અને પર્યાવરણની જાળવણી કરવા માટે સ્વપ્ન સેવવા પડશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. વૈભવ જોશીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...