વિશ્વ ડાયાબિટીસ દિવસ:કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી, ડાયાબિટીસ અને ટેકનોલોજી ઇન ડાયાબિટીસ પર અપાઈ માહિતી

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓમાં ડાયાબિટીસની થીમ પર આધારિત ડિબેટ, ક્વીઝ અને પોસ્ટર હરિફાઇ યોજવામાં આવી
  • ડિકોડીંગ ઇન્સ્યુલિન બુકનું પણ વિમોચન કરાયું, ડો. રૂચા મહેતા અને ડો. ઓમ લાખાનીએ લેક્ચર આપ્યાં
  • ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ ઇન્સ્યુલિનની શોધને સો વર્ષ પૂર્ણ થયા

આણંદના કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને ભાઈકાકા યુનિવર્સિટી કરમસદના મેડિસિન વિભાગ દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ શૈક્ષણિક અને દર્દી સંભાળની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે ડાયાબિટીસના રોગની માહિતી આપતો વિડીયો હોસ્પિટલની ટીવી ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત હોસ્પિટલમાં ધ હીલિંગ ટ્રી સેવાઓ અંતર્ગત દર મંગળવારે 3 થી 5 ડાયાબિટીસ ક્લિનિક પણ કાર્યરત રાખવામાં આવ્યું છે.

કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને ભાઈ કાકા યુનિવર્સિટીના મેડિસીન વિભાગ દ્વારા વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી 14મી 20મી નવેમ્બર દરમિયાન કરવામાં આવી હતી. જેમાં વિવિધ શૈક્ષણિક અને દર્દી સંભાળની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ વર્ષ ઇન્સ્યુલિનની શોધનું શતાબ્દિ વર્ષ હોવાથી આ વર્ષની થીમ સૌને માટે "ડાયાબિટીસની સર્વાંગી સારવાર આજે નહીં તો ક્યારે" હતી. જેના અંતર્ગત 14મી 20મી નવેમ્બર દરમિયાન વિડીયો-ઓડિયો ટોક, ડિબેટ સ્પર્ધા, ક્વિઝ અને પોસ્ટર હરિફાઇ યોજવામાં આવી હતી. આ ઉપરાંત ડિકોડીંગ ઇન્સ્યુલિન બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

ડાયાબિટીસ અને ટેકનોલોજી ઇન ડાયાબિટીસ વિષય પર માહિતી પુરી પાડવા માટે ખ્યાતનામ એન્ડોક્રિનોલોજીસ્ટ ડો. રૂચા મહેતા અને ડો. ઓમ લાખાનીને ગેસ્ટ લેક્ચર તરીકે બોલાવવામાં આવ્યાં હતાં. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ડાયાબિટીસની થીમ આધારિત ડિબેટ, ક્વીઝ અને પોસ્ટર હરિફાઇમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. નોંધનીય છે કે શ્રી કૃષ્ણ હોસ્પિટલના સ્પર્શ કાર્યક્રમ અંતર્ગત આણંદ, ખેડા અને પંચમહાલ જિલ્લાના 150 ગામોમાં ચેપ ન લાગે તેવા રોગોનું નિદાન અને સારવાર પણ ઘર આંગણે કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થવાના કેસ વધતા જાય છે, જેથી તેનું નિદાન અને સારવાર કરવી ખૂબ જ આવશ્યક છે. જેને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના સ્પર્શ કાર્યક્રમ અંતર્ગત કામ કરતાં હેલ્થકેરના સ્ટાફને જેસ્ટેશનલ એટલે કે સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસનું નિદાન કરવાની તાલીમ આપવામાં આવી હતી. આમ અઠવાડીયાની ઉજવણી દરમિયાન મેડિસિન વિભાગના કન્સલ્ટન્ટ દ્વારા ડાયાબિટીસના રોગોની માહિતી આપતા વિડીયો હોસ્પિટલના ટીવી ડિસપ્લેમાં મુકવામાં આવ્યાં હતાં, જેથી લોકોમાં વધુ જાગૃતિ ફેલાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...