કોરોના સંક્રમણ:આણંદ શહેરના દ્વારે ઓમિક્રોનનો પગરવ, યુકેથી 15મી ડિસેમ્બરે આવેલો દર્દી પોઝિટિવ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમદાવાદ એરપોર્ટથી સીધો સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો : શનિવારે આવેલા ચાર દર્દીના જિનોમ સિકવન્સ લેવાશે

આણંદ અને ખેડા જિલ્લામાં ડિસેમ્બર માસમાં મૂળ ચરોતરના એનઆરઆઇની અવરજવર મોટા પ્રમાણમાં થાય છે. અત્યારે ઓમિક્રોનના માહોલમાં પણ સેંકડો એનઆરઆઇ વતનમાં આવી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા વિદેશથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા ચરોતરના એનઆરઆઇનો ત્યાંની હોસ્પિટલમાં કરાયેલો ઓમિક્રોનનો ટેસ્ટ પોઝિટિવ આવતા આણંદ જિલ્લાનો પ્રથમ કેસ નોંધાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત 15મી ડિસેમ્બરે લંડનથી આવેલા મૂળ આણંદના 48 વર્ષના એનઆરઆઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને અમદાવાદ એરપોર્ટથી સીધા હોસ્પિટલમાં લઇ જવાયા હતા. દરમિયાન તેના જિનોમ સિકવન્સનો નમૂનો લઇ તપાસ માટે મોકલી અપાયો હતો જે પણ પોઝિટિવ આવતા તેઓ ઓમિક્રોન સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

દર્દીને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હોવાનું આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન ગઇકાલે શનિવારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા ખેડા અને આણંદ જિલ્લાના ચાર દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે તેમના સેમ્પલ પણ ઓમિક્રોનની તપાસ માટે મોકલી અપાશે.

દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ. ટી. છારીના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં છેલ્લા ચાર સપ્તાહમાં વિદેશથી આવેલા 1200 લોકોના ટેસ્ટ કરાયા છે. સદભાગ્યે કોઇ પોઝિટિવ આવ્યા નથી છતાં તેમનો કવોરન્ટાઇન પિરીયડ પુરો થયા બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. તેમાં કોઇ એનઆરઆઇનો રીપોર્ટ પોઝિટિવ આવશે તો તેમના સ્વેબના સેમ્પલને જિનોમ સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવશે.

આણંદના પાલિકાના આરોગ્ય વિભાગે કોરોના પોઝિટિવ આવેલા દર્દીના 10 મકાનોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી, અવર-જવર પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સિવાય, દવા સેનેટાઈઝ સહિત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આણંદ સરદારગંજ પાસેની બંસીધર સોસાયટીમા કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાથી આરોગ્ય વિભાગે દશ મકાનોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...