આણંદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી વર્ગ 3 અને 4ના તમામ સંવર્ગોમાં પગારને લઇ ભારે ગણગણાટ થઇ રહ્યો છે. આ કર્મચારીઓને ફક્ત રૂ. 6 હજાર કે 8 હજાર મળી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આથી તેમનો પગાર વધારવા પાલિકાના અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આણંદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે, હાલ મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે. જેમાં નોકરીયાત વર્ગોને પણ જીવન જીવવું ભારે પડી રહ્યું છે. પાલિકામાં પાંચ વર્ષથી લઇ ત્રીસ વર્ષ સુધી સતત અને એકધારી નોકરી કરનારા વર્ગ 3 અને 4ના કર્મચારીઓને આવી કપરી મોંઘવારીમાં દિવસો ગુજારવામાં મુશ્કેલી પડી રહી છે. તેમને પગાર માત્ર રૂ. છ હજારથી રૂ. આઠ હજાર સુધીનો હોવાથી બાળકોના અભ્યાસ, માંદગી, અનાજ, કરિયાણું, લાઇટબીલ, ગેસની બોટલ વગેરે બાબતોમાં ભાવ વધારાના લીધે જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગરના પાંચ વર્ષ પહેલાના ઠરાવ મુજબ વર્ગ 3 અને 4ના તમામ સંવર્ગોમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીની નિમણૂંકો ફિક્સ પગારના અજમાયશી તરીકે કરવા બાબતનો ઠરાવનો અમલ આણંદ પાલિકામાં પણ થવો જોઈએ તેવી તેમણે માંગ કરી છે. ઉપરાંત આણંદ પાલિકાના વર્ગ 3 અને 4ના તમામ રોજમદાર કર્મચારીઓને આ ઠરાવ મુજબ ફિક્સ પગારમાં લેવામાં આવે અને આ ઠરાવ મુજબનો ઠરાવ આણંદ પાલિકામાં કરી સર્વાનુમત્તે મંજુર કરી રાજ્ય સરકારના વર્ગ 3 અને 4ના કર્મચારીની જેમ આણંદ પાલિકાના કર્મચારીઓને પણ લાભ મળે તેવી તેમણે માંગણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.