તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય રણછોડ:વિદ્યાનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા માત્ર દોઢ કલાકમાં જ નિજમંદિર પહોંચી

આણંદ22 દિવસ પહેલા
  • કોરોનાને કારણે ઈસ્કોન મંદિરની રથયાત્રામાં મર્યાદીત સંતો અને યાત્રીકો સાથે નીકળી

આણંદ-વિદ્યાનગરમાં છેલ્લા સત્તર વર્ષથી ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની ભવ્ય રથયાત્રા અષાઢી બીજના દિવસે યોજવામાં આવે છે. જેમાં દેશ વિદેશના ઈસ્કોન મંદિરના સંતો અને હરીભક્તો પણ જોડાય છે. તેમજ વિવિધ મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે, પરંતુ કોરોનાના કારણે એસઓપીના નિયમોનું પાલન કરવાનું હોઈ ચાલુ વર્ષે ઈસ્કોન મંદિરની રથયાત્રામાં મર્યાદીત સંતો અને યાત્રીકો સાથે નીકળી હતી. વળી આ વર્ષે નિયત રુટમાં પણ કાપ મુકવામાં આવ્યો હોઈ ચાર કિલોમીટરની રથયાત્રા માત્ર અઢી કિલોમીટરમાં સમેટવામાં આવી હતી.

અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે વિદ્યાનગર ઈસ્કોન મંદિર ખાતે વહેલી પરોઢીયે પ્રાતઃ આરતી યોજવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન જગન્નાથ, બલરામ સહિતને કેસર સ્નાન કરાવી આભુષણો અને વસ્ત્રોથી સજ્જ કરવામાં આવ્યા હતા. સવારે આઠ કલાકે ભગવાનની મહાપુજા કરવામાં આવી હતી તેમજ ભગવાન માટે રથને પણ શણગાર સજવામાં આવ્યા હતા. જોકે, આ વખતે રથયાત્રામાં યાત્રિકો જોડાવાના નથી ત્યારે તેઓને પ્રસાદી પહોંચાડવા માટે 50 હજાર પેકેજ ઈસ્કોન મંદિરના સંતો અને યુવકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ઈસ્કોન મંદિરની રથયાત્રાને લઈને આણંદ શહેરમાં બપોરે સાડા બારથી કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે જે રાત્રીના આઠ વાગ્યા સુધી અમલમાં રહેશે. રથયાત્રા દરમિયાન કોઈએ ઘરની બહાર ન નીકળવું અને ઓનલાઈન દર્શન કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

વિદ્યાનગર ઈસ્કોન મંદિર દ્વારા સાંજના ચાર વાગે વિદ્યાનગર રોડ ટાઉન હોલ પાસેથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં 60 સારથીઓ રથયાત્રા ખેંચવા જોડાયા હતા. જોકે, કોઈ સામાન્ય ભક્તો તેનો લાભ લઈ શક્યા નહોતા પરંતુ રાજકીય હસ્તીઓએ આ લાભ લીધો હતો.ટાઉન હોલથી નીકળેલી રથયાત્રા વિદ્યાનગર રોડ થઈ ભાઈકાકા સ્ટેચ્યુ થઈને સીધી ઈસ્કોન મંદિરે 5.45ની આસપાસ પહોંચી ચુકી હતી. મહત્વનું છે કે, ચાર વાગે આણંદટાઉન હોલ પાસેથી ભગવાન જગન્નાથની ભવ્ય યાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી હતી. સમગ્ર શહેરમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો હોઈ કોઈ સમાન્ય ભક્તજન શ્રધ્ધાળુઓ આ પવિત્ર તહેવારનો લાભ લઇ શક્યા નહોતા.

મહત્વનું છે કે, આ રથયાત્રામાં નગરપાલિકા પ્રમુખ રુપલબેન પટેલ અને ઉપપ્રમુખ છાયાબેન ઝાલા પણ ઉપસ્થિત હતા. કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે RTPCR ટેસ્ટ કરાવનાર વ્યક્તિઓને જ મંજૂરી અપાઈ હતી. સાંસદ મિતેશ પટેલ તેમજ ભાજપાના જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી.જે બાદ ચુસ્ત પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...