ભૂમિપૂજન:વલ્લભ વિદ્યાનગરમાં માતૃસંસ્થા દ્વારા રૂ. 25 કરોડના મેગા પ્રોજેકટ અત્યાધુનિક વર્લ્ડ ક્લાસ કોમ્પ્લેક્સ 'ઉત્કર્ષ'નું ભૂમિપૂજન કરાયું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજમાં સાચા હનુમાન હોય તેમને આગળ લાવશો, હનુમાનજી પાસેથી પ્રેરણા લેવી જોઈએ: પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ
  • સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ દ્વારા સંસ્થાને રૂ. 11 લાખનું સંકલ્પ દાન જાહેર કરાયું

વલ્લભ વિદ્યાનગરમાં ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ- માતૃસંસ્થા દ્વારા નવનિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના અત્યાધુનિક વર્લ્ડ ક્લાસ મલ્ટીપર્પઝ કોમ્પ્લેક્સ 'ઉત્કર્ષ'નું ભૂમિપૂજન 16 એપ્રિલ, શનિવારે વિખ્યાત ક્રાંતિકારી સંત પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ (દંતાલી આશ્રમ) ના હસ્તે કરવામાં આવ્યું હતું. વૈશ્વિક કક્ષાનું વર્લ્ડ ક્લાસ અત્યાધુનિક 6 માળનું સુવિધાયુક્ત મલ્ટીપર્પઝ કોમ્પ્લેક્સ ઉત્કર્ષનું નિર્માણ કરવાનો રૂ. 25 કરોડના ખર્ચે મેગા પ્રોજેકટ માતૃસંસ્થાએ હાથ ધર્યો છે.

આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં અગ્રણી દાતા મનુભાઈ પી. ડી. પટેલ (એમિરેટ્સ ટ્રાન્સફોરમર્સ એન્ડ સ્વિચગિયર લિમિટેડ દુબઈ), જમીન દાતા પરિવારના વીપેન્દ્રભાઈ ભાઈલાલભાઈ પટેલ (સમાજ છાત્રાલય), ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન વિપુલ પટેલ, કાર્યક્રમના પ્રમુખસ્થાને માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા, કેળવણી મંડળ અને CHRFના મંત્રી ડો. એમ. સી. પટેલ CHRFના ઉપપ્રમુખ-કેળવણી મંડળના ટ્રસ્ટી વીરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ- CHRFના ખજાનચી કિરણભાઈ પટેલ, સહમંત્રી મધુબેન પટેલ, માતૃસંસ્થા-CHRFના સહમંત્રી ધીરુભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી ગિરીશભાઈ બી. પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ નવનીતભાઈ પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ અને પ્રોજેકટ ચેરમેન વી. એમ. પટેલ અને સભ્ય મહેશભાઈ પટેલ, જશભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી વિપુલ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, એડવાઈઝર ડો. બી. જી. પટેલ, ચારુતર વિદ્યા મંડળના મંત્રી ડો. એસ. જી. પટેલ, ચારુસેટના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, ‘સમાજગોષ્ઠિ’ના તંત્રી શરદ પટેલ, તેજસ પટેલ, ચંદ્રકાંત એક્ટર, મહેશભાઇ પટેલ (વલાસણ), યશવંતભાઈ પટેલ, કાંતિમામા, ભાનુભાઇ પટેલ, ભારતીબેન પટેલ, પલ્લવીબેન પટેલ, પરેશ દવે, ડો. ઉમાબેન પટેલ માતૃસંસ્થા–કેળવણી મંડળ-ચારુસેટ- CHRFના પદાધિકારીઓ, હોદેદારો, કારોબારી સભ્યો, ચારુસેટના વિવિધ પ્રિન્સિપાલો, પ્રાધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલે આમંત્રિતો મહેમાનો, મહાનુભાવો, સૌ ઉપસ્થિતોને આવકાર્યા હતા. નગીનભાઈ પટેલના હસ્તે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

માતૃસંસ્થા-CHRFના સહમંત્રી ધીરુભાઈ પટેલે માતૃસંસ્થા–કેળવણી મંડળ-ચારુસેટ- CHRFની વિકાસયાત્રા વર્ણવી હતી અને કહ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં સમૂહ લગ્નોત્સવ ક્ષેત્રે પાટીદાર સમાજમાં ક્રાંતિકારી પહેલ લાવવાની શરૂઆત કરનાર માતૃસંસ્થાની સ્થાપના 127 વર્ષ અગાઉ સમાજને સ્વાસ્થ્ય, શિક્ષણ અને કેળવણી આપવાની ભાવના સાથે થઈ હતી ત્યારથી સતત ઉત્કર્ષ થઈ રહ્યો છે.

માતૃસંસ્થાના ઉપપ્રમુખ અને પ્રોજેકટ ચેરમેન વી. એમ. પટેલે પ્રોજેકટ વિષે જણાવ્યુ હતું કે, સન 1965માં વલ્લભ વિદ્યાનગરમાં સ્વ. દાદાભાઈ નારણભાઇ પટેલ પરિવાર (આણંદ) દ્વારા દાનમાં અપાયેલી 23 ગૂંઠા જમીન પર સમાજના વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા મળે તે માટે 40 રૂમ ધરાવતા છોટાભાઈ ભીખાભાઇ પટેલ છાત્રાલયનું નિર્માણ થયું હતું પરંતુ હવે સમયની માગ મુજબ ‘ઉત્કર્ષ’નું નિર્માણ કરવાનો મેગા પ્રોજેકટ માતૃસંસ્થાએ હાથ ધર્યો છે. મલ્ટીપર્પઝ કોમ્પ્લેક્સમાં માતૃસંસ્થાનું હેડ ક્વાર્ટર, હોસ્ટેલ, હોસ્પિટલ, ફિઝીયોથેરપી સેન્ટર, ટીચિંગ એન્ડ લર્નિંગ ક્લાસરૂમ, કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે સુવિધા ઊભી કરાશે. આ ઉપરાંત એરકંડિશન રૂમો, હૉલ, ડાઈનિંગ હૉલ, કિચન, કોમ્પ્યુટર રૂમ, ઈન્ડોર ગેમ્સની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્રોજેકટ 18 માસમાં પૂર્ણ થવાની શક્યતા છે.

‘સમાજગોષ્ઠિ’ના તંત્રી શરદ પટેલે માતૃસંસ્થાના ખજાનચી પ્રિ. આર. વી. પટેલના શુભેચ્છા સંદેશનું વાંચન કર્યું હતું.જમીન દાતા પરિવારના વીપેન્દ્રભાઈ પટેલે સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તવી શુભકામના પાઠવી હતી.

ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યુ હતું કે, સમાજના વંચિતોની વેદના સમજવાનું કાર્ય સમાજના વડીલોએ કર્યું છે અને આ સુવિધા ઊભી કરી રહ્યા છે તે બદલ અભિનંદન આપું છુ. આર્થિક સહયોગ માટે KDCC બેન્કના દ્વાર સમાજ માટે ખુલ્લા રહેશે. ડો. મોહનભાઇ આઈ. પટેલ (પૂર્વ શેરીફ, મુંબઈ)એ ઓનલાઈન પ્રવચન કરતાં આ ભગીરથ કાર્ય સુપેરે ઝડપથી પૂર્ણ થાય તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યુ હતું કે, કેટલાક લોકો મોટા કાર્યો કરવા જન્મ્યા છે તેઓ જ્યાં હોય ત્યાં મોટા જ કામો કરશે. બધા લોકોની આવી તાકાત હોતી નથી. ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર સમાજને વર્ષોથી હું જાણું છું આ સમાજના હોદ્દેદારો-આગેવાનોમાં આવી તાકાત છે. પ્રારંભમાં ખાલી ઝોળીએ સમાજયાત્રા શરૂઆત કરનાર આ સમાજ પાસે દેશવિદેશથી માતબર દાન પ્રાપ્ત થવા લાગ્યું તેનું કારણ આ સમાજના હોદ્દેદારો-આગેવાનોનું વ્યક્તિત્વ, વિશ્વાસ, પ્રમાણિક્તા અને પારદર્શી વહીવટ છે. ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર સમાજને આગેવાનો મળ્યા છે તે અહોભાગ્ય છે.

સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે કહ્યું કે, આપણે રામનવમી અને હનુમાન જયંતિ તહેવારોની ઉજવણી કરી તેમાંથી શીખવાનું છે કે ભગવાન રામે 14 વર્ષ વનવાસ છતાં મોટા કામો કર્યા અને તેમની સામે કોઈ આંગળી પણ ન ચીંધી શકયા. જે લોકોને વ્યસનની સાથે જુગાર અને વ્યભિચાર જેવા દૂષણો હોય તે બરબાદ થઈ જાય છે. વ્યસનથી બચવા ધાર્મિક વૃત્તિ કવચ છે જે તમારું અને પરિવારનું રક્ષણ કરે છે. રામ વનમાં કવચ સાથે ગયા હતા. હનુમાને રામાયણમાં મહત્વના કાર્યો કર્યા પણ રામ માટે સમર્પિત જીવન જીવ્યા. સમાજમાં એવા શક્તિશાળી હનુમાનો પેદા થવા જોઈએ. રામના મંદિરો નથી તેટલા હનુમાનજીના મંદિરો થયા છે. હનુમાનજી સાથે હતા તો દુશ્મનની તાકાત નહોતી કે ભગવાન રામની સામે જોઇ શકે. હનુમાન પછી સરદાર પટેલ થયા જેમણે 600 રજવાડાને ભેગા કરવાનું ઉમદા કામ કર્યું. સમાજમાં સાચા હનુમાન હોય તેમને આગળ લાવશો. જમીનદાતા-કરોડોના દાતાઓ-કાર્યકરોને વંદન કરવા જોઈએ તેમનાથી સમાજ ઉજળો છે. આ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે આ પ્રોજેકટ માટે રૂ. 11 લાખનું સંકલ્પ દાન જાહેર કર્યું હતું. આ અગાઉ સન 2000 માં ચાંગા કેમ્પસના ભૂમિપૂજન વખતે પણ તેમણે રૂ. એક લાખનું દાન ખાલી ઝોળીમાં આપ્યું હતું.

નગીનભાઈ પટેલે જણાવ્યુ કે, કોઈ પણ સમાજ ત્યારે વિકાસ કરે જ્યારે અને સમાજના આગેવાનો અને કાર્યકરો સારા પ્રમાણિક અને વિશ્વાસુ હોય. 1895માં સ્થપાયેલા સમાજે સમાજયાત્રા શરૂ કરી અને 1965માં આ છાત્રાલય શરૂ કર્યું. માતૃસંસ્થાનું આ મધ્યસ્થ કાર્યાલય છે અને સમયની માગને ધ્યાનમાં રાખતા જ્યાંથી આગળ આવ્યા ત્યાં આ નવો પ્રોજેકટ હાથમાં લીધો છે ત્યારે બધા દાતાઓ આર્થિક સહકાર આપશે અને સમાજયાત્રા આગળ વધશે તેવી આશા વ્યક્ત કરી હતી.

સહમંત્રી ગિરીશભાઈ બી. પટેલે આભારવિધિ કરી હતી. સમારંભનું સુંદર સંચાલન ચારુસેટના પ્રાધ્યાપકો ડો. ધારા પટેલ અને ડો. લિપિ આચાર્યએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...