તપાસ:વઘાસી ગામે મારો પતિ ક્યાં છે તેમ કહી બીજી પત્નીએ પ્રથમ પત્નીને માર માર્યો

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિપીક્ષાબેનની ફરિયાદના આધારે આણંદ ગ્રામ્ય પોલીસે મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આણંદ પાસેના વઘાસી ગામે પૂર્વ પત્ની અને વર્તમાન પત્ની વચ્ચે થયેલો ઝઘડો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ભરણપોષણનો હપ્તો આપવા જતાં પત્ની પર વહેમ રાખી બીજી પત્નીએ પ્રથમ પત્નીને માર માર્યો હતો અને ધમકીઓ આપી હતી. જેને પગલે આણંદ ગ્રામ્ય પોલીસે મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.સમગ્ર બનાવની હકીકત એવી છે કે, આણંદ પાસેના વઘાસી ગામ સ્થિત સ્વામિનારાયણ જૂના મંદિર પાસે 27 વર્ષીય દિપીક્ષાબેન દિનેશભાઈ પટેલ રહે છે. તેમના લગ્ન વર્ષ 2013માં વડોદરા ખાતે રહેતા સચિન પરસોત્તમભાઈ પટેલ સાથે થયા હતા.

લગ્ન સમય દરમિયાન દંપતિને બે બાળકીઓ અવતરી હતી. દરમિયાન, બંને વચ્ચે મતભેદ સર્જાતાં દંપતિ વર્ષ 2019માં છૂટા પડ્યા હતા.જોકે, ત્યારબાદ સચિન પટેલે મીના નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. તેઓ હાલમાં વઘાસી રોડ સ્થિત ક્રિષ્ના ટ્વીન્સ બંગ્લોમાં રહે છે.સચિનભાઈ પોતાની પહેલી પત્ની દિપીક્ષાબેનને અઠવાડિયામાં એક વખત દિકરીના ભરણ પોષણના પૈસા આપવા પ્રથમ પત્નીના ઘરે જતા હોય છે. દરમિયાન, રવિવારે સવારે આઠ વાગ્યાની આસપાસ દિપીક્ષાબેનના ઘરે મીનાબેન જઈ ચઢ્યા હતા.

અને તેમણે મારો પતિ ક્યાં છે તેમ કહી અપશબ્દ બોલવા લાગી હતી અને તેણી સાથે ઝઘડો કર્યો હતો. વધુમાં તું મારા પતિના પૈસા વાપરે છે એમ કહી તેણી સાથે ઝપાઝપી કરી હતી. ઝપાઝપીમાં દિપીક્ષાબેને પહેરેલી સોનાની ચેન તૂટી ગઈ હતી. જોકે, સમગ્ર ઝઘડાને પગલે બુમરાણ મચી જતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. જેને પગલે તેણી જતાં-જતાં કહેતી ગઈ હતી કે હવે તું જો મારા પતિના પૈસા વાપરીશ તો જાનથી મારી નાંખીશ. સમગ્ર બનાવ સંદર્ભે હોસ્પિટલમાં સારવાર લીધા બાદ દિપીક્ષાબેને આ મામલે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...