તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાવટી ચીલઝડપ:ઉમરેઠમાં થામણા ચોકડી ચીલઝડપ પ્રકરણમાં ફરિયાદી જ ચીટર નીકળ્યો, તબેલાના કારીગરના હેલ્મેટ પહેરાવી ખાલી પાકીટ ઝૂંટવવાનો ખેલ પાડ્યો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીનના માલિકને 11 લાખ ચુકવવા ન પડે તે માટે બનાવટી પ્લાન કર્યો
  • સ્થાનિક પોલીસની સઘન પૂછપરછ માં ગુનો કબુલ્યો

ઉમરેઠની થામણા ચોકડી પરથી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિને ધક્કો ઝીંકી તેના રુપિયા એક લાખ રોકડ ભરેલા પાકીટની ચીલઝડપ થતાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવના પગલે સ્થાનિક પોલીસ અને એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.જે તપાસ દરમ્યાન ફરિયાદી જ આરોપી હોવાની ચોંકાવનારી વિગત સામે આવતા જ સનસનાટી ફેલાઈ છે.પોલીસ ને અવળે રસ્તે ચઢાવી જમીન માલિકને સોદાની રકમ ન આપવા કરેલ નાટકનો પોલીસે પર્દાફાશ કરતા ફરિયાદી રશેષ ઠકકર ને ગામમાં મોં સંતાડવાના દિવસો આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ રશેષ ઠકકરને થામણા ચોકડી ઉપર આવેલ તમાકુની ખરીવાળા નિમેશભાઇ અંબાલાલ પટેલની ઉમરેઠ ડાકોર રોડ ઉપર પરવટા નજીક આવેલ જમીન નો સોદો કરી ખરીદી હતી. જે જમીનના રૂપિયા અગિયાર લાખ રશેષ ઠકકરને નિમેશભાઇ પટેલને આપવાનો તા.22/6/21 ના રોજ આપવાનો વાયદો કરેલ હતો.પરંતુ રશેષથી ચુકવવાપાત્ર રકમ ની સગવડ ન થતા ફિલ્મી સ્ક્રીપટ જેવો છટકવાનો પ્લાન ઘડયો હતો.જોકે પોલીસે આ તમામ કાવતરાનો પર્દાફાશ કરી રશેષ ઠકકરની સઘન પૂછપરછ કરતા તે ભાગી પડ્યો અને તેને પોતે જ આ કાવતરું રચ્યા ની કબૂલાત કરી હતી.

મહત્વનું છે કે રશેષ પાસે રૂપિયાની સગવડ ન થતાં તેને તેના વડોદરા ખાતેના ઘરેથી એક હેલ્મેટ લઇ ભરોડા ડુંગરીપુરા રોડ ઉપર આવેલ પોતાના તબેલા ઉપર પહોંચ્યો હતો.રશેષના તબેલામાં કામ કરતાં પરેશભાઇ શનાભાઇ તળપદા રહે. બેચરી બોરકુવા સીમ વિસ્તાર તા.ઉમરેઠનાને આયોજન પુર્વક કાવતરૂ ઘડી વિશ્વાસમાં લઇ વાત કરેલ કે મારે એક વિમો છે, અને તે વિમો પકવવાનો છે. મારી પાસે જે ખાલી થેલો છે તે હુ થામણા ચોકડી જે જગ્યા બતાવુ ત્યાં મને ધક્કો મારી નીચે પાડી દેવાનો અને જે ખાલી થેલો છે તે લઈ જતુ રહેવાનુ.બાદ રશેષે વડોદરા ઘરે થી લાવેલ હેલ્મેટ પરેશ તળપદા ને આપ્યો અને જણાવ્યું તારે પહેરી અને બાઇક લઇ થામણા ચોકડી આવવાનુ અને કહ્યુ તે પ્રમાણે કરવું.

રશેષે ઠક્કરે પોતાના તબેલાના કર્મચારી પરેશ તળપદા સાથે આયોજનપુર્વક ઘડેલ પ્લાનના મુજબ રશેષ પરેશને થામણા ચોકડી આવી જગ્યા પણ બતાવી ગયેલ હતો. જે બાદ થોડી વાર પછી રશેષ ગાડી લઇ થામણા ચોકડી આવેલ નિમેશભાઇની ખરી આગળ પોતાની ગાડી પાર્ક કરેલ અને અગાઉ કરેલ આયોજન મુજબ આ પરેશ તળપદા બાઇક ચાલક રશેષને નીચે પાડી રૂપિયા ભરેલ બેગ લઇ જતો રહ્યો હતો. આ બાઇક ચાલક પરેશ તળપદાએ રશેષના કહેવા મુજબ હેલ્મેટ, ખાલી થેલો તથા પરેશે પહેરેલ જેકેટ તેના તબેલાની નજીક સળગાવી દીધો હતો.

ઉમરેઠમાં નજીક ખેતી અને પશુ તબેલાના વ્યવસાય કરતા રશેષ ઠક્કર મંગળવારે સવારે પોતાના તબેલાથી પોતાની ગાડી લઈ નિકળી થામણા ચોકડી ઉપર આવેલ નિમેષ પટેલની ખરીએ કામ અર્થે નીકળેલ હતા. આ સમયે તેઓની પાસે મોટી રકમ ભરેલ પાકીટ હતું. તેઓ થામણા ચોકડી ઉપર ખરી નજીક ગાડી પાર્ક કરી હજી ઉતર્યા જ હતા ત્યાં એક અજાણ્યા હેલ્મેટ ધારી શખ્સ બાઈક લઈને ધસી આવ્યો અને રશેષ કાંઈ સમજે વિચારે તે અગાઉ જ તેને ધક્કો મારી એક લાખ રોકડ ભરેલા પાકીટ ઝુંટવી રફુચક્કર થઈ ગયાની ફરિયાદ ઉમરેઠ પોલીસ સ્ટેશને નોંધાવી હતી.

ભૂલથી ખાતામાં જમા થયેલા પૈસા આપવામાં આનાકાની કરી હતી
આરોપી રશેષનું ઉમરેઠ કેડીસીસી બેન્કમાં ખાતું આવેલું છે. દોઢેક વર્ષ અગાઉ બેન્કની ભૂલથી ખાતામાં 20 થી 25 લાખ જમા થઈ ગયાની જાણ બેન્કને થતાં તેમણે વસુલાત કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તે બ્હાનાં બતાવી પૈસા આપતો જ નહોતો. મળતી માહિતી અનુસાર, કેટલાંક પૈસા તેણે ખર્ચ પણ કરી નાંખ્યા હતા. દરમિયાન, બેન્ક સત્તાધીશો દ્વારા આ મામલે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરાતાં આખરે તેણે પૈસા પરત આપ્યા હતા.

ખાલી થેલો, હેલ્મેટ અને જેકેટ તબેલા નજીક સળગાવી દીધું હતું
આરોપી રશેષ ઠક્કર વડોદરા તેમના ઘરેથી હેલ્મેટ લઈ આવ્યા હતા. તેમણે તબેલામાં કામ કરતાં પરેશ તળપદાને વીમો પકવવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં તેણે ઘટનાને કેવી રીતે અંજામ આપવો તે તેને સમજાવી દીધા બાદ એ દિવસે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. બાદમાં પરેશ તળપદાએ તબેલા પાસે હેલ્મેટ, ખાલી થેલો તથા તેણે પહેરેલું જેકેટ તબેલાની નજીક સળગાવી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...