ગુજરાત રાજ્ય પશુપાલન ખાતું ગાંધીનગર તથા જિલ્લા પંચાયત આણંદના પશુપાલન શાખાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર તથા પ્રદર્શન કાર્યક્રમનું બોરસદ તાલુકાના અલારસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પશુપાલકોની આવક બમણી થાય અને પશુઓ વધુ દૂધ આપી શકે તે માટે નવા નવા સંશોધનો હાથ ધરાયા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન શિબિર યોજીને પશુપાલકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. પશુપાલકોને પશુઓના રહેઠાણ, ખોરાક, માવજત વિશે જાગૃત રહેવાથી દૂધના ઉત્પાદનમાં વધારો થશે અને વધુ આવક મેળવી શકાશે તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત તેઓએ ખેડૂતો અને પશુપાલકોને જણાવ્યું હતું કે આઇ-ખેડુત પોર્ટલનો લાભ લેવા અને કૃષિમાં અથવા પશુપાલનના વ્યવસાયમાં કંઈ પણ તકલીફ જણાય તો પશુપાલન અધિકારીનો અથવા કૃષિ યુનિવર્સિટી આણંદનો સંપર્ક સાધવાથી વધુ જ્ઞાન મળી શકશે. આ ઉપરાંત બેન્ક દ્વારા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અને પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવતી સહાય વિશે પણ તેમણે માહિતગાર થવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ડેરીનો વ્યવસાય શ્રેષ્ઠ વ્યવસાય છે. દૂધના વ્યવસાય થકી જ ટેકનોલોજી અપનાવી વધું આવક મેળવી શકાય છે. આ વ્યવસાયમાં ક્યારેય મંદી નહીં આવે કે આ વ્યવસાય બંધ થવાનો નથી તેથી પશુપાલકોએ વધુ આવક મેળવવા માટે પશુઓને સ્વચ્છ રાખવા અને સારો ખોરાક આપવા ઉપરાંત પશુ સંલગ્ન જ્ઞાન મેળવી લેવા પણ જણાવ્યું હતું.
પ્રારંભમાં નાયબ પશુપાલન નિયામક સુકેતુ ઉપાધ્યાયએ પશુપાલનનો વ્યવસાય એ દેશના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેમ જણાવી આઇ-ખેડૂત પોર્ટલ દ્વારા તમામ યોજનાઓના ફોર્મ અને યોજનાઓને લગતી માહિતી આંગળીના ટેરવા પર ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. પશુપાલન ખાતાની યોજનાઓથી જિલ્લામાં થયેલા લાભ અને યોજનાઓનો લાભ કેટલો અને કેવી રીતે મળી શકે છે તે વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ ધરમદેવસિંહ ડાભી, જિલ્લા પંચાયત મહિલા અને બાળવિકાસ સમિતિના ચેરમેન માનસીબેન અશોકભાઈ મહીડા,મદદનીશ પશુપાલન નિયામક ડો.એમ.જે.પટેલ, તથા ડો.હિતેશકુમાર,અલારસા દૂધ મંડળીના ચેરમેન અશોકકુમાર મહીડા,અલારસા ના ઉપસરપંચ હિતલબેન પટેલ,અલારસાની સેવા સંસ્થાન ગૌશાળાના પ્રમુખ કલ્પેશભાઈ ઠાકર,અગ્રણી પ્રવીણભાઈ ચૌહાણ, પિયુષભાઈ પટેલ સહિત આંકલાવ,ઉમરેઠ ,બોરસદ અને આણંદ તાલુકાના પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.