લાખોની છેતરપિંડી:આણંદમાં પ્લોટ વેચવાના નામે બે શખ્સોએ વૃદ્ધ વેપારીનું 19 લાખમાં કરી નાખ્યું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધ સાથે અભિષેક કોર્પોરેશનના ભાગીદાર તથા વહીવટકર્તાઓએ વિશ્વાસઘાત કર્યો

આણંદ શહેરમાં રહેતા વૃદ્ધ નાગરિકે રૂ. 1.10 કરોડમાં પ્લોટ ખરીદવા અભિષેક કોર્પોરેશનના ભાગીદાર અને વહીવટકર્તાને રૂ.25 લાખ આપ્યા હતા. જોકે, તેઓએ પ્લોટ વેચાણ આપ્યો નહતો. આથી, વૃદ્ધ નાગરિકે નાણાં પરત માંગતા તેઓએ છ લાખ આપી હાથ અધ્ધર કરી દીધાં હતાં. આ અંગે વૃદ્ધે પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે બે શખ્સો સામે રૂ.19 લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.

બાકરોલમાં પ્લોટ બતાવ્યો
આણંદ શહેરની જીવનદીપ કોલોનીમાં રહેતા લાલજીભાઈ ખેમચંદ હમીપુરાણી અઢી વર્ષ પહેલા ડી.એમ. આચાર્ય એટલે કે દીપક એમ. આચાર્ય ઉર્ફે ધર્મેન્દ્રકુમાર મગનભાઈ આચાર્ય (રહે.જીવનદીપ કોલોની)ના સંપર્કમાં આવ્યાં હતાં. તેઓએ બાકરોલમાં રે. સ. નં.2254 પૈકી પ્લોટ નં.6 જેનું ક્ષેત્રફળ 1146.55 ચોરસ મીટર વાળો પ્લોટ બતાવ્યો હતો. આ પ્લોટ વિમાબહેન પટેલની માલીકીનો હતો. જે ખરીદવા લાલજીભાઈએ રસ દાખવ્યો હતો. જે તે સમયે પ્લોટની કિંમત રૂ.1.10 કરોડ નક્કી કરી હતી. આથી, વિશ્વાસ રાખી લાલજીભાઈએ રૂ.પાંચ લાખનો ચેક અને રૂ.20 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યાં હતાં. જોકે, આ નાણા આપ્યા બાદ ધર્મેન્દ્ર આચાર્યએ તેમને પ્લોટ વેચતો ન હતો અને ઠાગાઠૈયા કરતો હતો.આખરે લાલજીભાઈએ નાણાં પરત માંગતા તેમને સમીર રસીક પટેલે રૂ. છ લાખનો ચેક આપ્યો હતો. જોકે, બાકીના રૂ.19 લાખ આપતા નહતા.

પોલીસે તપાસ હાથ ધરી
આમ છેતરપિંડી થયાનું લાગતા લાલજીભાઈએ આણંદ શહેર પોલીસ મથકે ડી.એમ. આચાર્ય (દીપક એમ. આચાર્ય ઉર્ફે ધર્મેન્દ્ર મગન આચાર્ય) અને સમીર રસીક પટેલ અભિષેક કોર્પોરેશનના ભાગીદાર તથા વહીવટકર્તા (રહે.રામ પાર્ક સરદાર સોસાયટી, કરમસદ) સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...