સુવિધાના નામે મીંડુ:આણંદ શહેરમાં મીની સિવિલ માત્ર નામની આંખ,ચામડી કે ઓર્થો.ના ડૉક્ટર જ નથી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મીની સિવિલનો દરજ્જો 3 વર્ષથી આપ્યો પણ સુવિધાના નામે મીંડુ
  • છેલ્લા દોઢ માસથી એક્સ-રે મશીનની પ્લેટો આવતી નથી

આણંદ શહેરમાં સિવિલ પ્રશ્ન છેલ્લાં 10 વર્ષથી ટલ્લે ચઢ્યો છે. ત્યારે પ્રજાને લોલીપોપ તરીકે આણંદ નગરપાલિકાની હોસ્પિટલને મીની સિવિલનો ત્રણ વર્ષ અગાઉ દરજ્જો આપવામાં આવ્યો છે. પણ મીની સિવિલ હોસ્પિટલમાં 107 ડોક્ટર નર્સ સહિત તમામ પુરતાં પ્રમાણમાં ફાળવવામાં આવ્યાં નથી.

જ્યારે હોસ્પિટલમાં આવેલા ડેન્ટલ વિભાગ, એકસ-રે વિભાગમાં પુરતી સુવિધા નથી. જ્યારે આંખ કે ચામડીના રોગો માટે ડૉક્ટર પણ મુકવામાં આવ્યા નથી. માત્ર એક મેડિકલ ઓફિસર અને ગાયનેક ડૉકટર છે. જ્યારે બાકીના રોગોમાં ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો સેવા આપવા માટે છે. તેઓ પણ દવા લખી આપે છે. પરંતુ જરૂરી સારવાર દર્દીઓને મળતી નથી.

આણંદ નગરપાલિકાની હોસ્પિટલમાં 3 વર્ષ અગાઉ મીની સિવિલ બનાવવામાં આવી હતી. જે તે સમયે નેતાઓએ મીની સિવિલમાં સિવિલ હોસ્પિટલ જેવી સુવિધા ઉપલબ્ધ હશે, પુરતા ડૉક્ટરો અને નર્સ સહિતનો સ્ટાફ મુકવવામાં આવશે તેમ જણાવ્યુ હતું. પરંતુ હાલમાં અપૂરતો સ્ટાફ જોવા મળે છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં એકસ-રે વિભાગ આવેલો છે.

જ્યાં આધુનિક મશીન છે. દર્દીઓના એકસ-રે પાડવા માટે પ્લેટો આવતી નથી. જેથી ત્યાં એકસ-રે પાડીને મોબાઇલમાં આપવામાં આવે છે. સિવિલમાં ઓર્થોપેડીક ડૉક્ટર ના હોવાથી તે લઇને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને જવું પડે છે. જેથી ખાનગી હોસ્પિટલમાં નક્કી કરેલાં ચાર્જ ચૂકવવો પડે છે.

જ્યારે ડેન્ટલ વિભાગમાં ડોક્ટરતો મુકવામાં આવ્યાં છે. પરંતુ પૂરતા સાધનોનો અભાવ છે. દવાઓ પણ પુરતાં પ્રમાણમાં નથી. ત્યાં દર્દીને તપાસીને બહારના ડોક્ટર પાસે જવાની સલાહ આપવામાં આવે છે. છેલ્લાં કેટલાંક માસથી દાંતમાં પુરવાની ચાંદી પણ આવતી નથી. જેથી દર્દીઓને ધરમધક્કા ખાવા પડે છે. હાલમાં સિવિલમાં માત્ર ઓપીડી કેસ લેવામાં આવે છે. અન્ય કોઇ સારવાર કરવામાં આવતી નથી.

હાથમાં દુઃખાવો થતાં એક્સ-રે પડાવવા માટે આવ્યો પણ મશીન જ બંધ હતું
આણંદ મીની સિવિલમાં જમણા હાથે વધારે દુઃખતું હોવાથી એક્સ-રે પડાવવા માટે આવ્યો હતો. ત્યારે જવાબ આપવામાં આવ્યો કે એક્સ-રે પ્લેટ નથી. તમને મોબાઇલમાં કોપી આપી દઇશું તે તમે બહારના કોઇ ઓર્થોપેડીક ડોક્ટરને બતાવી દે જો, આમ એક્સ-રે મશીન માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડીક ડોક્ટર ન હોવાથી ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે.-વિજય. કે. રાઠોડ, દર્દી, આણંદ

આરોગ્ય વિભાગ - ઉચ્ચકક્ષાએ ત્રણ માસથી રજૂઆત કરી છે
આણંદ મીની સિવિલ હોસ્પિટલના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, એક્સ-રેની પ્લેટ, દાંતની ચાંદી અને અન્ય દવાઓનો પૂરતો સ્ટોક નથી. જેના કારણે અમે છેલ્લાં ત્રણ માસથી વારંવાર આરોગ્ય વિભાગ સહિત રાજ્ય સરકારમાં રજૂઆત કરવા છતાં દવા સહિતનો જથ્થો ફાળવવામાં આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...