સોજિત્રા ખાતે રહેતા એનઆરઆઈએ એફડી કરવા રૂ.50 લાખ સેન્ટ્રલ બેંકમાં જમા કરાવ્યાં હતાં. જે પેટે બોગસ સર્ટીફિકેટ આપ્યાં હતાં. આ મામલે હોબાળો થયા બાદ તપાસ કરતાં બેન્ક મેનેજર અને પટ્ટાવાળાએ ભેગા મળી એફડી તથા પાક ધિરાણની લોનના રૂપિયા ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું હતું. આથી, સોજીત્રા પોલીસે બેન્ક મેનેજર અને પટ્ટાવાળા સામે ગુનો નોંધ્યો હતો.
સોજિત્રાના મલાતજ ગામે રહેતા અને છેલ્લા 20 વર્ષથી લંડન સ્થાયી થયેલા સંજય મહેન્દ્રભાઈ ત્રિવેદીએ મલાતજમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ખાતું ખોલાવ્યું હતું. જેમાં એફડી તથા અન્ય નાણા જમા કરાવ્યાં હતાં. દરમિયાનમાં 26મી ઓગષ્ટ,22ના રોજ સંજય ત્રિવેદી પત્ની સ્મીતાબહેન સાથે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ગયાં હતાં. જ્યાં ચેક કરતાં વ્યાજ સહિત રૂ.59,40,000 જેટલી હતી. જે રકમ તેઓએ ઉપાડી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર પ્રવિણ છબીલદાસ ઠક્કર પાસે જઇ નવું ખાતુ ખોલાવ્યું હતું. જેમાં રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદમાં રૂ.10 લાખની પાંચ એફડી કરાવી હતી. બાદમાં 1લી ઓક્ટોબર,22ના રોજ સંજયભાઈ બેંકમાં ગયાં હતાં. તે સમયે મેનેજરને મળવા જતાં બેંકનો પટ્ટાવાળો ભરત સવા રબારી પણ હાજર હતો અને મેનેજરને મળી ખાતામાં રહેલા રૂ.10 લાખની પાંચ એફડી કિંમત રૂ.50 લાખની એફડી કરાવવી છે. તેવી વાત કરી હતી. આ સમયે રૂ.10 લાખના પાંચ ચેક આપ્યાં હતાં. જોકે, બેંક મેનેજરે ચેકમાં કોઇનું નામ લખવા દીધું નહતું અને તે ભરત રબારીને આપી દેવા સુચના આપી હતી. આથી, ફોર્મમાં જરૂરી સહિ કરી પરત નિકળી ગયાં હતાં.
ત્યારબાદ થોડા દિવસ પછી સંજયભાઈ બેંકમાં ગયાં હતાં. જ્યાં એફડી પ્રમાણપત્રો માંગતા ભરતે પ્રમાણપત્રો તૈયાર થાય એટલે હું તમને તમારા ઘરે આવી આપી જઇશ. તેમ કહ્યું હતું. આથી, વિશ્વાસ રાખી સંજયભાઈ ઘરે આવી ગયાં હતાં. બાદમાં બેન્ક મેનેજર રજા ઉપર હોવાના બહાના બતાવવા લાગ્યાં હતાં. 10મી ઓક્ટોબર,22ના રોજ પાંચ પ્રમાણપત્રો આપ્યાં હતાં.જોકે આ પ્રમાણપત્રમાં ચેકચાક હતી અને રકમમાં પણ ભુલ હતી. આથી, બેંકમાં પુછતા ભરત રબારીએ નવા બનાવી દેવા જણાવ્યું હતું.
આમ, અવાર નવાર બેંકમાં ધક્કા ખાતા બહાના બતાવતા હતાં. આખરે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ડેમોલ શાખામાં જઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ભરતે આપેલા પ્રમાણપત્ર બોગસ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ અંગે ખાતેદાર સંજયભાઈએ બેન્ક મેનેજરનો ઉધડો લીધો હતો. પરંતુ તેણે લાઇટ ન હોવાના બહાના બતાવી સંજયભાઈને પરત ઘરે મોકલી દીધાં હતાં. આ રકમ બીજાના ખાતામાં જમા કરાવી હોવાથી ભારે હોબાળો થયો હતો.
આમ, સેન્ટ્રેલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર પ્રવિણકુમાર છબીલદાસ ઠક્કર તથા બેંકના પટાવાળા તરીકે કામ કરતા ભરત સવા રબારીએ એફડીના ખોટા પ્રમાણપત્ર બનાવી સાચા તરીકે ઉપયોગ કરી રૂ.50 લાખ ટ્રાન્સફર કરી ગુનાહિત કાવતરૂ રચી વિશ્વાસઘાત કર્યો હતો. આ ઉપરાંત અન્ય ખાતેદારના એફડી તથા પાક ધિરાણની લોનના રૂપિયા ઉપાડી લીધેલા હોવાની પણ હકિકત બહાર આવી હતી. આ અંગે સંજયભાઈની ફરિયાદ આધારે સોજિત્રા પોલીસે પ્રવિણ ઠક્કર અને ભરત રબારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોના કોના ખાતામાં બારોબાર રકમ જમાવી કરાવી દીધી ?
કૌભાંડ કારોએ મહેશભાઈ કાંતિભાઈના ખાતામાં 3 ચેક, ગીરીશ પરસોત્તમભાઈ, સ્વપ્નીલકુમાર અજયસિંહના ખાતામાં રૂ.50 લાખ ઉપડી ગયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.