તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In The Age Of Modern Technology, Teachers Should Be Fully Equipped With Technology And Knowledge: Minister Of State For Home Affairs Pradipsinh Jadeja On The Occasion Of Anand Teacher's Day

શિક્ષક દિવસની ઉજવણી:આધુનિક ટેકનોલોજીના યુગમાં શિક્ષક ટેકનોલોજી અને જ્ઞાનથી સંપૂર્ણ સજજ થવો જોઈએઃ પ્રદીપસિંહ જાડેજાએ શિક્ષકોને કરી ટકોર

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકના વાણી વર્તન વ્યવહારથી વિદ્યાર્થીનું ચરિત્રનું ઘડતર થતું હોય છે
  • 21 મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્‍તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે
  • જિલ્લા અને તાલુકાના શ્રેષ્‍ઠ 20 શિક્ષકોનું કરાયુ સન્માન

આણંદના બાકરોલ ખાતે બીએપીએસ સ્‍વામિનારાયણ વિદ્યાલય ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપ અને ઉત્‍કૃષ્‍ટ સેવા આપનારા આણંદ જિલ્લા અને તાલુકાના શ્રેષ્‍ઠ 20 શિક્ષકોનું રાજયના ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે સન્‍માનપત્ર અને શાલ ઓઢાડીને સન્‍માનિત કરવામાં આવ્યાં હતા.

આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શિક્ષકોએ ટકોર કરતાં જણાવ્યું હતું કે, આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં જો શિક્ષક ટેકનોલોજીથી સંપૂર્ણ સજજ નહીં હોય તો વિદ્યાર્થી ટેકનોલોજીના ઉપયોગના માધ્‍યમથી જ્ઞાન મેળવતો હોય છે ત્‍યારે માત્ર પોતાના સંતોષ ખાતર નહીં પણ બાળકો સામે પૂરતી તૈયારીઓ સાથે જવાથી અસરકારકતા વધશે.

શિક્ષક એ સમાજનો ઘડવૈયો જ નહીં કરોડરજ્જુ છે

આ ઉપરાંત તેઓએ ઉમેર્યું હતું કે, શિક્ષણ અને શિક્ષકની ગુણવત્તા વધારવા સરકાર દ્વારા ઘણા પ્રશાસનિક પ્રશંસનીય પ્રયત્નો થઈ રહ્યા છે કારણ કે કોઇપણ રાષ્‍ટ્રનું મૂલ્‍યાંકન તેની સંપતિથી નહીં પણ તે રાષ્‍ટ્ર કેટલું શિક્ષિત છે તેના આધારે થાય છે. શિક્ષક એ સમાજનો ઘડવૈયો જ નહીં કરોડરજ્જુ છે. કેવા પ્રકારના સમાજનું નિર્માણ કરવું તે શિક્ષકના હાથમાં છે. શિક્ષકના વાણી વર્તન વ્યવહારથી વિદ્યાર્થીનું ચરિત્રનું ઘડતર થતું હોય છે.

21મી સદી જ્ઞાનની સદી છે

સમાજનું ચારિત્ર્ય ઘડતર, સંસ્‍કારો અને સંસ્‍કૃતિનું રક્ષણ કરી નૂતન વિચારધારાઓને લઇ ગુરૂ-શિષ્‍ય અને વિદ્યાર્થીઓની આગવી પરંપરા જળવાઇ રહે તે માટે શિક્ષકોને આગળ આવવા કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, 21મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્‍તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે છે. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ચારિત્ર્યવાન નાગરિકોનું નિર્માણ કરતાં શિક્ષકો અભિનંદનના અધિકારી છે. વિદ્યાર્થીઓની કારકીર્દિને યોગ્‍ય દિશાદર્શન કરાવતા શિક્ષકો રાષ્‍ટ્રની પ્રગતિનો પંથ નિર્માણ કરે છે. મૂલ્‍યનિષ્‍ઠ સમાજનું નિર્માણ કરવામાં શિક્ષકોનું બહુમૂલ્‍ય પ્રદાન રહેવાની સાથે સમાજનું ઘડતર કરવાનું કામ શિક્ષકો કરી રહ્યા છે.

જનરલ નોલેજ ક્વિઝની સ્પર્ધા યોજી

આણંદ તાલુકાની લાલપુર (ત્રણોલ) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક વિજયકુમાર રાવજીભાઇ ભોઇની જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2021 માટે પસંદગી કરવામાં આવી છે. આ વિશે વિજયકુમારે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે વિશ્વભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન બાળકો ઘરે રહીને કાંઈક નવીન પ્રવૃતિ કરે અને સમયનો સદુપયોગ કરી ઓનલાઈન અભ્યાસ કરે તે હેતુથી ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજ ક્વિઝ બનાવવાની શરુઆત કરી હતી.

વિદ્યાર્થીઓ પાસેથી બચત બેન્ક બનાવડાવામાં આવી

આ ક્વિઝ શરુઆતમાં ફક્ત ચિત્ર જોઈને જવાબ આપવાના તેવી સરળ બનાવામાં આવી હતી. બાદમાં કોરોના, રામાયણ અને મહાભારત જેવા વિષય પણ ઉમેરવામાં આવ્યાં હતા. 50 ટકાથી વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીને ઈ-સર્ટીફીકેટ આપવામાં આવતું હતું. તે ઉપરાંત 2003થી વિદ્યાર્થીઓ પાસેથી બચત બેન્ક બનાવડાવામાં આવી હતી. જેથી કરીને બાળકો બચત કરતા શીખે. આ બચત બેન્કમાં પોતાના બાળકો દ્વારા ભેગા થયેલી બચત તેમના વાલીઓને કોરોનાકાળ દરમિયાન ખુબ ઉપયોગમાં આવી હતી.

ધોરણ 10 અને 12ના નબળા વિદ્યાર્થીઓને એકસ્ટ્રા કોચીંગ આપ્યું

આણંદ હાઇસ્કુલના આચાર્ય અમિતાભ જોસેફ મેકવાન તેમની શાળામાં છેલ્લા 6 વર્ષથી ધોરણ 10 અને 12ના નબળા વિદ્યાર્થીઓને એક્સટ્રા કોચીંગ આપીને પરીક્ષામાં પાસ થવામાં મદદ કરે છે. આચાર્ય અમિતાભ જોસેફ મેકવાને જણાવ્યું હતું કે, આ પરીક્ષાની સાથે સાથે તેઓ વિદ્યાર્થીઓને વૃધ્ધાશ્રમ, વિકંલાત બાળકોની શાળા વગેરે જગ્યાએ લઈ જઈને સોશયલ વર્ક કરાવે છે. તેમની આ પ્રવૃત્તિથી અનેક વિદ્યાર્થીઓનું જીવન ઘડતર થયું છે. ખાસ કરીને નબળા વિદ્યાર્થીઓ કે જેઓએ ધો.10 અને 12માં નપાસ થવાના ડરે અભ્યાસ છોડી દેવા સુધી પહોંચી ગયાં હતાં. પરંતુ જોસેફ મેકવાન દ્વારા વધારાના સમયમાં અભ્યાસ કરાવી તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. જેના પગલે વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઘડતર થયું છે. આ ઉપરાંત તેમણે 5 નવલકથા, 1 વાર્તાસંગ્રહ, 1 લેખ-રેખાચિત્રો પણ લખ્યા છે.

455 દિવસ ઓનલાઈન કેમ્પ યોજ્યા

કરમસદની સજના તલાવડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક એચ.ટાટ જિનેશાબેન લાભચંદ્ર શાહે જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન બાળકો ભયમુક્ત વાતાવરણમાં ન રહે તથા ઘરે રહીને તેમનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી મારા અનુભવનું આકાશ નામનો ઓનલાઇન સમર કેમ્પ 2020ની શરૂઆત 31મી માર્ચ 2020થી કરવામાં આવી હતી. આ ઓનલાઈન કેમ્પમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓનું વોટ્સપ ગ્રુપ બનાવીને દરરોજ વિદ્યાર્થીઓને એક ટાસ્ક આપવામાં આવતો હતો. જેમાં કોરોના ચિત્ર સ્પર્ધા, લાઈવ રમત, દેશભક્તિ ગીત હરીફાઈ, મધર્સ ડે ફાધર્સ ડે, પર્યાવરણ દિન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી જેવા તહેવારોની ઓનલાઈન ઉજવણી, પગના મોજા તથા નકામાં કપડામાંથી માસ્ક બનાવાની સપર્ધા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

150 જેટલી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી

વિદ્યાર્થીઓને બીજા દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીનો સમય આપવામાં આવતો હતો. વિદ્યાર્થીઓએ પોતે કરેલા ટાસ્કના ફોટા કે વીડિયો બનાવી અને ગ્રુપમાં મોકલાવતા હતા. તે ઉપરાત 150 જેટલી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવાની વિવિધ રમતો પણ બનાવામાં આવી હતી. આ ઉપરાંત ડીડી ગીરનાર પર હોમલર્નીંગ કાર્યક્રમ, રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેર એવોર્ડ, અમદાવાદના આઈઆઈએમ તરફથી યોજાયેલા લાઇવ વેબીનારમાં સો ટેલી રમતનું નિર્માણ કર્યું હતું.

છેલ્લા 5 વર્ષથી એન.એમ.એમ.એસની તૈયારી કરાવી

ખંભાત તાલુકાના ભુવેલ આદર્શ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક સૈયદ નિયામતઅલી મહંમદઅલીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 5 વર્ષથી દર રવિવારે શાળામાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ (એનએમએમએસ)ની તૈયારી કરાવે છે. અત્યાર સુધીમાં 15 વિદ્યાર્થીઓના નામ મેરીટ લિસ્ટમાં આવી ચુક્યા છે. આ પરીક્ષા આપવામાં વિદ્યાર્થીને રાજ્ય સરકાર તરફથી ધોરણ 9 થી 12 સુધી દર વરસે 12 હજાર લેખે કુલ રૂ.48 હજારની શિષ્યવૃત્તિ મળે છે. ખંભાતમાં તેઓએ તાલુકા કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષા એનએમએમએસ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 થી 75 વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. તે ઉપરાત છેલ્લા ચાર વર્ષમાં પાંચમાં ધોરણની નવોદયની પરીક્ષામાં ચાર બાળકો મેરીટમાં આવ્યાં હતાં અને અત્યારે તેઓ ભાદરણમાં ભણી રહ્યા છે. 2017માં તેમને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠં શિક્ષક પારિતોષિક પ્રાપ્ત થયો હતો.

શિક્ષકોનું કરાયુ સન્માન

તાલુકા કક્ષાએ બોરસદ તાલુકાની વાલવોડ પ્રાથમિક કુમાર શાળાના મદદનીશ શિક્ષક ડૉ. પ્રસ્કીલાબેન કાંતિભાઇ ચૌહાણ, બોરસદ તાલુકાના ભવાનપુરા(નાપા) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક પારેખ ભૂમિકાબેન ગીરીશભાઇ, આણંદ તાલુકાના વઘાસી પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક સંગીતાબેન કાંતિલાલ પરમાર, આણંદ તાલુકાના ગમોટપુરા પ્રાથમિક શાળા ચિખોદરાના મુખ્યર શિક્ષક મહેશભાઇ ગોવિંદભાઇ પટેલ, ખંભાત તાલુકાના પીપળોઇ ગામની કે.બી.પટેલ આદર્શ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક રેણુકાબેન હીરાભાઇ પટેલ, ખંભાત તાલુકાની નવાપુરા પ્રાથમિક શાળાના ઉંદેલના મદદનીશ શિક્ષક વસીમબેન જાઉદ્દીન પઠાણ, સોજિત્રા તાલુકાની રૂણજ પ્રાથમિક શાળાના મુખ્યા શિક્ષક દક્ષેશકુમાર કનુભાઇ પંડયાંનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સોજીત્રા તાલુકાની પલોલ પે સેન્ટ ર પલોલ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક માલાભાઇ શનાભાઇ પગી, તારાપુર તાલુકાની મોરજ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક પ્રજાપતિ વિઠ્ઠલભાઇ ફીરાભાઇ, તારાપુર તાલુકાની કનાવાડા પ્રાથમિક શાળાના મુખ્યદ શિક્ષક પારેખ રાકેશભાઇ અરવિંદભાઇ, આંકલાવ તાલુકાના પે સેન્ટ ર પ્રાથમિક શાળા ખડોલના મદદનીશ શિક્ષક યોગીતાબેન ઇશ્વરભાઇ મકવાણા, આંકલાવ તાલુકાના ખડોલ(ઉ) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક કિરણબેન રમણલાલ પટેલ, ઉમરેઠ તાલુકાના ભાલેજની પ્રાથમિક કન્યા શાળાના મદદનીશ શિક્ષક મનિષાબહેન પાઉલભાઇ મેકવાન, ઉમરેઠ તાલુકાના જાખલાની પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક વણકર તારાબેન નાનજીભાઇ, પેટલાદ તાલુકાના રવિપુરાની પ્રાથમિક શાળા, રવિપુરાના મદદનીશ શિક્ષક મકવાણા ધરા નયનકુમાર અને પેટલાદ તાલુકાના આશી પે સેન્ટર શાળાના મદદનીશ શિક્ષક પ્રિતેશકુમાર ચંદ્રકાંતભાઇ ગજજરનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...