• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Tarapur, The Doctor Practiced Medicine, Put The Humanity On The Line And Gave Birth In The Open Without Treating The Pregnant Woman.

માનવતા નેવે મૂકી:તારાપુરમાં તબીબે તબીબધર્મ લજવ્યો, માનવતા નેવે મૂકી સગર્ભાને સારવાર ન આપતાં ખુલ્લામાં પ્રસુતિ કરાઈ

આણંદ5 મહિનો પહેલા
  • કાતિલ ઠંડીમાં પ્રસૂતા બાળકના નાળ સાથે એક કલાક ઉપરાંત કણસતી રહી
  • સ્થાનિકો દેવદૂત બની અને પ્રસૂતાના વ્હારે આવ્યા
  • ડોક્ટરે રૂ.42 હજારની માંગ કરતો વીડિયો વાયરલ થતાં ભારે ફિટકાર વરસાવવામાં આવી

આણંદના તારાપુરમાં ગર્ભવતી દર્દી સાથે ખાનગી હોસ્પિટલના તબીબે અમાનવીય વ્યવહાર કર્યા હોવાની ઘટના આવી સામે આવતા પંથકમાં ચકચાર મચી છે. વળી તબીબ દ્વારા મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. જે ન સંતોષતા તબીબે માનવતા સાથે તબીબધર્મ પણ લજવ્યો છે. જોકે, ઘટનામાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા દાખવવામાં આવેલી સંવેદના લોકપ્રશંસા પામી રહી છે. સ્થાનિકો દ્વારા મિરાણી મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ અને ડોકટર વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ બુલંદ બની રહી છે. આ ઘટનાએ સમાજની સંવેદના ઝંઝોળી દીધી છે. આ અંગે પંથકના કેટલાક મહિલા સંગઠનો પણ આગામી દિવસોમાં આંદોલન કરે તે હદે મામલો વણસી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગત રાત્રીના 12.30 કલાકની આસપાસ તારાપુર ખાતે આવેલી મિરાણી મેટરનીટી એન્ડ નર્સિંગ હોમમાં શ્રમજીવી પરિવારની સગર્ભાને પ્રસુતિ પીડા ઉપડતાં લાવવામાં આવી હતી. આવા કટોકટીના સમયે સારવાર આપવાના બદલે સગર્ભા સાથે ડોક્ટર દ્વારા અમાનુષીય વર્તન કર્યું હોવાની ફરિયાદ ઉઠી હતી. આ દર્દીની સારવાર પહેલા રૂ.42 હજાર જેવી રકમ માંગતો ઓડિયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. આ ઉપરાંત ડોક્ટર દ્વારા હોસ્પિટલમાં પ્રવેશ ન મળતાં મહિલાએ બહાર જ બાળકને જન્મ આપ્યો હતો. અડધી રાતે કડકડતી ઠંડી વચ્ચે શ્રમજીવી પરિવાર પાસે પુરતા સાધનો પણ ન હોવાથી માતા-સંતાનની હાલત લથડતી હતી.

પોતાનું ધંધાકીય કામ પરવારી ઘરે જઈ રહેલ સ્થાનિકોથી આ મહિલાની હાલત જોવાઇ રહી નહોતી. આખરે સ્થાનિક અજયભાઈ ચૌહાણ અને જસવંતભાઈ ચૌહાણ દ્વારા 108ને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને માતા – સંતાનને યોગ્ય સારવાર આપી સ્થાનિક સીએચસી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં જ્યાં ડો.જયંત જોશીયારાએ દર્દીની ગંભીર સ્થિતિ હોઈ કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ બાબતનો વિડીયો વાયરલ થયા બાદ ચરોતર પંથકમાં ભારે ઉહાપોહ મચ્યો છે. લોકોએ ડોક્ટર સામે ફિટકારની લાગણી વરસાવી હતી. આ ઉપરાંત કેટલાકે તો ડોક્ટર સામે પોલીસ ફરિયાદ કરી કડક પગલાં ભરવા સુધીની માગણી કરી છે.

પ્રસુતિ બાદ પણ પોણા કલાક સુધી બાળક નાળ સાથે જોડાઇ રહ્યું હતું
સ્થાનિક મદદકર્તા અજય ચૌહાણ અને જસવંતભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રસુતિ બાદ પણ ડોક્ટરે માનવતા દાખવી નહતી. પ્રસૂતાને અતિશય પીડા ઉપડતા તેણીએ હોસ્પિટલના ઓટલે ખુલ્લામાં જ બાળકને જન્મ આપી દીધો હતો.આવી કળકળતી ઠંડીમાં લગભગ પોણા કલાક સુધી બાળક નાળ સાથે જોડાયેલું રહ્યું હતું.પરંતુ ડોકટર આવ્યા જ નહોતા. આખરે 108 ને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી અને નાળ કાપી પ્રાથમિક સારવાર શરૂ કરી હતી.જોકે, આ ગાળામાં બાળક રડતું ન હોવાથી પરિવારના સભ્યો પણ ચિંતિત બન્યાં હતાં.હાલ માતા અને બાળક કરમસદ હોસ્પિટલમાં છે.જ્યાં બાળક icu માં બન્ને ની તબિયત સારી છે.

અન્ય સમાચારો પણ છે...