તારાપુરમાં જમીન પચાવી પાડવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.તારાપુરના વતની અને હાલ વડોદરા રહેતા ડોક્ટરની આવેલી અઢી વિઘા જેટલી જમીન ગામના ચાર શખસોએ બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બારોબાર વેચી દીધી હતી. આ અંગેના વેચાણ દસ્તાવેજમાં પણ બોગસ વ્યક્તિના ફોટા અને પુરાવા લગાડ્યાં હોવાનું ખુલ્યું હતું. આ અંગે વડોદરાના ડોક્ટરે તારાપુર પોલીસ મથકે ચારેય સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તારાપુરના વતની અને હાલ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતા ડો.ભુપેન્દ્રભાઈ ચીમનભાઈ અમીનની વારસાગત અઢી વિઘા જમીન તારાપુર ખાતે આવેલી હતી. તેઓ ક્યારેય પ્રસંગોપાત તારાપુર આવતા હતા ત્યારે જમીનની મુલાકાત લેતાં હતાં. બીજી તરફ તેના બે પુત્ર પણ 1997થી લંડન સ્થાયી થયાં હોવાથી તેઓ ભાગ્યે જ તારાપુર આવતા હતા. દરમિયાનમાં ગામમાં રહેતા કડવા ભીખા ભરવાડ સહિતના માણસોની નજર આ જમીન પર પડતા તેઓએ તેનો બારોબાર વહીવટ કરી નાંખ્યો હતો.
એકાદ વર્ષ પહેલા ડો. ભુપેન્દ્રભાઇને આ વાતની જાણ થતાં તેઓએ મામલતદાર ઓફિસમાંથી 7/12ની નકલ કઢાવી હતી. જેમાં બીજાના નામ જોતા ચોંકી ગયાં હતાં. આથી, હક્ક પત્રકની નકલ જોતા તેમાં 11મી ઓક્ટોબર,2017ના રોજ કડવા ભરવાડે ભુપેન્દ્રભાઈના પરિવારજનોના નામની બોગસ પાવર ઓફ એટર્ની બનાવી હતી. આ પાવર ઓફ એટર્નીના આધારે તેણે ગામના રાઘુ બેચર ભરવાડ નામના શખસને વેચાણ આપી દીધું હતું. બાદમાં આ જમીનનો ટુકડો કરી મલુબહેન ગલાભાઈ ભરવાડના નામે કરી હતી. આ ઉપરાંત તેજા રાઘા ભરવાડને જમીન વેચી દીધી હતી. આ તમામ વેચાણની અવેજની રકમો કડવા ભીખા ભરવાડ અને રાઘુ બેચર ભરવાડે લીધી હતી. આ અંગે તારાપુર પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે કડવા ભીખા ભરવાડ, રાઘુ બેચર ભરવાડ, તેજા રાઘા ભરવાડ અને મલુબહેન ગલાભાઈ ભરવાડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નોટરીને ત્યાં ગયાં નથી છતાં નોટરી સમક્ષ સહી – સિક્કા થઇ ગયાં
તારાપુરના કડવા ભરવાડે જમીન પચાવી પાડવા જમીન માલીકના નામના બોગસ પુરાવા ઉભા કર્યાં હતાં. ફરિયાદમાં ડો. ભુપેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, અમે નોટરી કનુભાઈ કે. મકવાણા સમક્ષ ક્યારેય ગયા નથી. તેમની રૂબરૂમાં કોઇ સહી કરી નથી. નોટરીના ચોપડામાં પણ કોઇ સહી કરી નથી. તેમ છતાં અમારા નામે બનાવટી અને ખોટા પાવર ઓફ એટર્ની બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ભુપેન્દ્રભાઈનો ફોટો અને તેમના પત્નીના સ્થાને અન્ય સ્ત્રી તથા બે પુત્રની જગ્યાએ અન્ય યુવકોના ફોટા લગાડવામાં આવ્યાં હતાં. આશ્ચર્યજનક બાબત એ છે કે, ચૂંટણી કાર્ડ પણ ભળતા નામના વ્યક્તિનું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.