સોજિત્રાની વતની અને તારાપુરના યુવક સાથે લગ્ન કરનાર યુવતીને લગ્નના ચાર વરસમાં ભારે કડવો અનુભવ થયો હતો. આણંદ ખાતે કપડાની ફેરી કરતા પતિએ ચા બનાવવાનું કહ્યું હતું. જોકે, પત્નીએ થોડીવારમાં બનાવી આપું તેમ કહેતા ઝઘડો થયો હતો. જેમાં પતિ અને દિયરે મારમાર્યો હતો. આ અંગે પરિણીતાએ પિયર જઇ પાંચ સાસરિયા સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.
ચારેક વર્ષ અગાઉ લગ્ન થયા હતા
સોજિત્રાની યુવતીના લગ્ન ચારેક વર્ષ પહેલા તારાપુરના યુવક સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને દિકરાનો જન્મ પણ થયો હતો. તેઓ સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. જેમાં દિયર પણ સાથે જ રહેતો હતો. આ લગ્ન જીવન દરમિયાન ઘરકામને લઇ વારંવાર ઝઘડા થતાં હતાં. આથી, પરિણીતા પિયર રિસાઇને આવતા રહી હતી. પરંતુ સમજાવટથી ફરી તારાપુર સાસરીમાં આવી હતી.
દિયરે પણ મારમાર્યો
પરિણીતાનો પતિ આણંદ ખાતે કપડાંની ફેરી કરતો હતો અને અપડાઉન કરતો હતો. દરમિયાનમાં 26મી મે,2020ના રોજ સવારના છ એક વાગ્યે પરિણીતા દિનચર્યા મુજબ જાગી હતી. થોડા સમય બાદ તેનો પતિ સુબહાન પણ જાગ્યો હતો અને ચા બનાવવા કહ્યું હતું. આ સમયે તેમનો પુત્ર જાગી જતાં તેને સાચવવામાં રોકાતાં પરિણીતા થોડીવાર પછી ચા બનાવવાનું કહ્યું હતું. જેના કારણે પતિ - પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં તેનો દિયર પણ દોડી આવ્યો હતો અને પરિણીતાને કહેવા લાગ્યો હતો કે, તે ક્યારેય અમને ટાઇમે ચા-નાસ્તો કે જમવાનું બનાવી આપ્યું નથી.
સાસરિયા સામે ફરિયાદ
વળી આ ઝઘડામાં અન્ય સાસરિયા પણ ઉશ્કેરાઇ ગયાં હતાં અને પતિએ પરિણીતાને બે - ત્રણ લાફા મારી દીધાં હતાં અને તે અમારુ ઘર બરબાદ કરી નાંખ્યું છે, કોઇ શાંતિ લેવા દેતી નથી. તારા આવ્યા પછી કોઇ ધંધામાં બરકત આવી નથી. તેમ કહ્યું હતું. આ અંગે પરિણીતાએ પિયરમાં જાણ કરતાં તેઓ તારાપુર દોડી આવ્યાં હતાં અને પરિણીતાને ઘરે લઇ ગયાં હતાં. આ અંગે સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે સાસરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.