નજીવી બાબતે હત્યા:આણંદના સુંદણ ગામે પશુ પાણી પી જતા ઉગ્ર ઝઘડો થયો, ઝગડાખોરે પશુપાલકને માથામાં ઝાટકો મારતા ઘટના સ્થળે જ મોત

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીમમાંથી પરત આવતા સમયે ઘર બહાર રાખેલું પાણી પશુઓ પી જતાં ઉગ્ર ઝગડો થયો

આણંદ તાલુકાના સુંદણ ગામે પશુપાલકના મોતથી ગમગીની વ્યાપી છે. પશુપાલક સીમમાં પશુ ચરાવીને યુવક પરત આવી રહ્યો હતો. આ સમયે રસ્તામાં એક વ્યક્તિના ઘરની બહાર મુકેલું પાણી પશુઓ પી જતાં ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા શખસે લાકડાના દંડાનો જોરદાર ફટકો પશુપાલકને માથામાં મારી દેતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુંદણ ગામે રહેતો ગીરીશ કનુભાઈ ચુનારા (ઉ.વ.23) બુધવારના રોજ બકરી ચરાવવા નિકળ્યો તે સમયે લક્ષ્મણ માનાભાઈ ભોઇના ઘર પાસેથી પસાર થતાં સમયે બકરીઓ બહાર મુકેલું પાણી પી ગઇ હતી. આ બાબતે બીજા દિવસે લક્ષ્મણ અપશબ્દ બોલતો હોવાથી પશુપાલક ગીરીશે ઠપકો આપ્યો હતો.

પશુપાલકના ઠપકા થી ઉશ્કેરાયેલા લક્ષ્મણ ભોઇએ લાકડાના દંડાથી માથામાં જોરદાર ફટકો ગીરીશને મારી દેતાં તે લોહી લુહાણ હાલતમાં ફસડાઇ પડ્યો હતો. આ ઝગડાની બુમાબુમના પગલે ગીરીશના પરિવારજનો પણ દોડી આવ્યાં હતાં. ગીરીશને ઘાયલ અવસ્થામાં જોઇને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ અંગે યુવકની બહેન મંજુલાબહેને વાસદ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે લક્ષ્મણ માનાભાઈ ભોઇ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...