અનાજ ગોડાઉનમાં ગોલમાલ:સોજીત્રાના વિરોલમાં અનાજની બોરીઓમાં 1થી 3 કિલોની ઘટ્ટ નિકળી, તપાસની માંગણી કરાઈ

આણંદ22 દિવસ પહેલા
  • ગરીબોના અનાજની ચોરી કરતા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ: તાલુકા પંચાયત સભ્ય

કોરોનાકાળ અને તે બાદ પણ હાલ સરકાર સતત ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોના ભોજનની ચિંતા કરી સસ્તું અનાજ તેમજ મફત અનાજ આપી આ નાગરિકના પેટનો ખાડો પૂરવા સતત ઉદારમને પ્રયત્નશીલ છે. જ્યારે અનાજનું કાળા બજાર કરનારા તત્વો અને ભ્રષ્ટ અધિકારીઓ પણ આ અનાજની ચોરી કરી ગરીબના મુખમાંથી કોળિયો છીનવી પાપનો પૈસો ભેગો કરી રહ્યા છે. નાગરિકોને અનાજ પૂરતું ન મળવાની વારંવારની ફરિયાદો ઉઠતા જાગૃત સ્થાનિકોએ પરવાનેદાર દુકાનદારને પહોંચી સરકારી ગોડાઉનમાંથી આવેલ માલની ડિલિવરી સમયે અનાજની બોરીઓનો તોલ કરતા 800 ગ્રામથી લઈ 3 કિલો સુધીની ઘટ્ટ નીકળતા સ્થાનિકો પણ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે પરવાનેદાર દુકાનદારોએ જણાવ્યું કે, સરકારી ગોડાઉનમાંથી જ માલ ઓછો આવતો હોવાથી નાગરિકોને પૂરતો જથ્થો પહોંચાડી શકતા નથી.

આણંદ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોના પરવાનેદાર દુકાનદારો દ્વારા નાગરિકોને પૂરતા પ્રમાણમાં અનાજ આપતું નથી અને અનાજના કાળા બજાર થતા હોવાની ફરિયાદો વધી રહી છે. બીજી તરફ દુકાનદારો પણ પૂરતો જથ્થો મળતો ન હોવાનું જણાવી રહ્યા છે. આ બાબતે સ્થાનિકો દ્વારા સરકારી ગોડાઉનમાંથી આવતા અનાજના જથ્થાની બોરીઓની ચકાસણી કરતા તેમાં 800 થી લઈ 3 કિલો ઉપરાંતની ઘટ્ટ જોવા મળી હતી.આ દ્રશ્ય જોઈ સ્થાનિકો ચોંકી ગયા હતા.સસ્તા અનાજની ગોલમાલ ગોડાઉનમાંથી જ થતી હોવાના આરોપ વધી રહ્યા છે.

આ અંગે સોજીત્રા તાલુકાના વિરોલના પરવાનેદાર દુકાનદાર એમ.એલ.પરમારે જણાવ્યું હતું કે, અમોને બે ત્રણ મહિનાથી આ દુકાનનો ચાર્જ સોંપેલ છે. સરકારી ગોડાઉનમાંથી આવતી અનાજની બોરીઓમાં વજન ઘટ આવે છે.ગાંધીનગર વેબસાઈટ ઉપર જે જથ્થો બતાવવામાં આવે છે તેનાથી ઓછા વજનનો જથ્થો અમોને મળી રહ્યો છે. ઓછો જથ્થો મળવાને કારણે ગ્રાહકોને પણ પૂરતા પ્રમાણમાં અનાજ આપી શકતા નથી. ગ્રાહકોની વધુ ફરિયાદોને લઈ અમે આજે માલ તોલ કર્યો તો પ્રત્યેક અનાજની બોરીમાંથી 800 ગ્રામથી લઈ 4 કિલો જેટલી વજનઘટ ઝડપાઇ છે. અમે સરકારને પૂરતા પ્રમાણમાં નાણાં ચૂકવીએ છીએ જ્યારે અમોને સરકારી ગોડાઉનમાંથી જ ઓછા વજનની અનાજની બોરીઓ મળી રહી છે. અધિકારીઓ જ આવું કરે તો કોને ફરિયાદ કરીએ તે સમજાતું નથી. હાલ અમોને 20થી 25 બોરી અનાજ એટલો હજાર કિલો ઉપરાંતની ઘટ જણાઈ રહી છે હવે ગ્રાહકોને કેવી રીતે સમજાવીએ?

આ અંગે સોજીત્રા તાલુકા પંચાયત સભ્ય ભરતભાઈએ જણાવ્યું હતું કે, ગામમાં અનાજ ન મળવાની ફરિયાદો નાગરિકો દ્વારા મળતા તે અંગે કચેરીમાં રૂબરૂ રજૂઆતો કરેલ છે. છતાં પણ કોઈ જ પરિણામ આવતું નથી. અમારા જાણમાં આવ્યું છે કે, ચોરી ગોડાઉનમાંથી જ ચોરી થાય છે. ગોડાઉનમાંથી આવતી બોરીઓમાં જ ઓછા વજનનો જથ્થો મળે છે જ્યારે ગ્રાહકો દુકાનદાર પાસેથી નેટ ટુ નેટ વજન માંગે છે. તો દુકાનદાર ખૂટતું અનાજ ક્યાંથી લાવે? આ કારણે દુકાનદાર અને ગ્રાહકોના ઝગડા પણ વધી રહ્યા છે. સરકારી ગોડાઉનમાં ડબલ પેકિંગ થાય છે જે દરમિયાન ઓછા વજનથી અનાજ ભરવામાં આવતું હોવાનું અમારુ માનવું છે. આ ગરીબોના અનાજની ચોરી કરતા અધિકારીઓ અને કર્મચારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...