સોજિત્રા તાલુકાના કાસોર ગામે એનઆરઆઈની જમીન પર ત્રણ શખ્સોએ પચાવી પાડી હતી. તેઓએ જમીન પર તબેલો બનાવી દૂધ ડેરી પણ શરૂ કરી દીધી હતી. આ અંગે એનઆરઆઈના પિતાએ સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોજિત્રાના કાસોર ગામે આવેલા ઠક્કરવાડામાં રહેતા સુરેશભાઈ કૃષ્ણાંત ઠક્કરનો પુત્ર જીગ્નેશ છેલ્લા કેટલાક વરસોથી વિદેશ રહે છે. જીગ્નેશના નામની જમીન કાસોર ગામમાં આવેલી છે. જેનો પાવર ઓફ એટર્ની સુરેશભાઈ પાસે છે. જોકે, આ મિલકતમાં 6ઠ્ઠી ફેબ્રુઆરી,2008થી સોમા રણછોડ રબારી, રાજા મેલા રબારી અને કનુ રેવા રબારીએ પશુનો તબેલો બાંધી દૂધની ડેરી ચલાવી કબજો કરી લીધો હતો. આ અંગે તેમને ટોકવા છતાં તેઓ કબજો છોડતા ન હતા.
આ અંગે કલેક્ટરમાં લેન્ડગ્રેબીંગ અંતર્ગત ફરિયાદ આપતા કલેક્ટરને પોલીસ ફરિયાદનો હુકમ કર્યો હતો. આથી, સુરેશ ઠક્કરે સોજિત્રા પોલીસ મથકે સોમા રણછોડ રબારી, રાજા મેલા રબારી અને કનુ રેવા રબારી સામે ફરિયાદ આપતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.