સામાન્ય બાબતે હત્યા:સોજિત્રાના કાસોરમાં અપશબ્દ બોલવાની ના પાડતાં  ઝઘડો થયો , બે ઈસમના હાથે યુવકની હત્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

સોજિત્રા તાલુકાના કાસોર ગામે પાનના ગલ્લે અપશબ્દ બોલવા બાબતે બે શખસે 26 વર્ષિય યુવકને રસ્તા પર પટકતા મોત નિપજ્યું હતું. આ મારામારીમાં યુવકને બચાવવા તેના ભાઈ અને પિતા પણ દોડ્યાં હતાં. પરંતુ તેઓ બચાવી શક્યા નહતાં. આ અંગે સોજિત્રા પોલીસે બે શખસ સામે ગુનો નોંધ્યો હતો.

સોજિત્રાના કાસોર ગામે લાડકુઇ વિસ્તારમાં રહેતા જીતુભાઈ રાવજીભાઈ પરમારનો મોટો ભાઈ નગીન (ઉ.વ.26) તેમની સાથે રહે છે. ગઇ તા.6ઠ્ઠી નવેમ્બર,22ના રોજ સાંજના સાતેક વાગ્યાની આસપાસ નગીન મેલડી માતાના મંદિર નજીક આવેલા શૈલેશભાઈની દુકાને મસાલો લેવા ગયાં હતાં. આ સમયે ગામનો મહેન્દ્ર ઉર્ફે ભોકો પના પરમાર પણ ત્યાં આવ્યો હતો. પરંતુ તે અપશબ્દ બોલતો હતો. જેથી નગીને તેને અપશબ્દ બોલવાની ના પાડતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બની જતાં નગીનનો ભાઈ અને તેના પિતા રાવજીભાઈ દોડ્યાં હતાં. પરંતુ તે પહેલા મહેન્દ્રએ ઉશ્કેરાઇ નગીનને ગડદાપાટુનો મારવા લાગ્યાં હતાં.

આ દરમિયાન જીતુ અને રાવજીભાઈ આવી પહોંચતાં મહેન્દ્રનો કુટુંબી ભાઇ રાજુ ઝવર પરમાર પણ દોડતો આવ્યો હતો અને સીધો નગીનના પિતા રાવજીભાઈની ફેટ પકડી લીધી હતી. આથી, નગીન વચ્ચે પડતાં રાજુએ તારા બાપાને નહીં હવે તો તને જ પતાવી દેવો છે. તેમ કહી નગીનને ગળામાંથી પકડી ઉચકી રોડ પર પછાડ્યો હતો. જેથી નગીન સ્થળ પર જ બેભાન થઇ ગયો હતો.

આ ઝઘડાના પગલે આસપાસના લોકો દોડી આવતાં રાજુ પરમાર અને મહેન્દ્ર પરમાર ત્યાંથી ભાગી ગયાં હતાં. જ્યારે નગીનને તાત્કાલિક સારવાર માટે ચારુસેટ હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જ્યાં તેને મૃત્યું પામેલો જાહેર કર્યો હતો. આમ છતાં તેના પરિવારજનો તેને સુણાવ સરકારી દવાખાને લઇ ગયાં હતાં. ત્યાં પણ ડોક્ટરે મૃત્યું પામેલો જાહેર કર્યો હતો. આખરે આ અંગે સોજિત્રા પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને નગીનની લાશનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

આ અંગે જીતુ પરમારની ફરિયાદના આધારે સોજિત્રા પોલીસે રાજુ ઝવરભાઈ પરમાર અને મહેન્દ્ર ઉર્ફે ભોકો પના પરમાર (બન્ને રહે. લાડકુઇ, કાસોર) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...