ખંભાતના શક્કરપુરના પાધરીયા વિસ્તારમાં રહેતા બે પરિવાર ટેમ્પો મુકવાના મુદ્દે ઝઘડી પડ્યાં હતાં. આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે બન્ને એક બીજા પર લાકડી અને પાઇપથી તુટી પડ્યાં હતાં. આ અંગે ખંભાત શહેર પોલીસે બન્ને પરિવાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ખંભાતના શક્કરપુર હડકમાતાના મંદિર પાસે રહેતા બાબુ હરિભાઈની વડીલોપાર્જીત જમીન પાધરીયા વિસ્તારમાં આવેલી છે. જેમાં તેમના ભાગની જગ્યા ખુલ્લી પડી છે. જ્યારે અડધો પ્લોટ તેમના દાદાના ભાણીયા રતીલાલને આપેલો હતો. હાલ આ પ્લોટમાં વિષ્ણુભાઈ રતીલાલ તેમના પરિવાર સાથે રહે છે. અગાઉ બાબુભાઈની સુરત હતા તે સમયે વિષ્ણુભાઈએ પ્લોટમાં પતરા મારી દીધાં હતાં. જો કે, તે સમયે કઢાવી નાંખ્યાં હતાં. દરમિયાનમાં રવિવારના રોજ બાબુભાઈએ ટેમ્પો બોલાવી ઘરમાં પડેલો જુનો સામાન ભરી પોતાના ખુલ્લા પ્લોટમાં મુકવા માટે ગયાં હતાં. તે વખતે પતરાનો દરવાજો ખોલતા સમયે વિષ્ણુ રતીલાલ લોખંડની પાઇપ લઇ દોડી આવ્યાં હતાં અને ટેમ્પો જતા અટકાવી દીધો હતો અને અપશબ્દ બોલી હુમલો કર્યો હતો. જેમાં બાબુભાઈને ઇજા પહોંચી હતી. આ ઉપરાંત વિષ્ણુના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને માથામાં લાકડાના દંડા મારી વધુ ગંભીર ઇજા પહોંચાડી હતી. જોકે, બુમાબુમથી આસપાસના લોકો દોડી આવી બાબુભાઈને બચાવી લીધાં હતાં. આ અંગે બાબુભાઈની ફરિયાદ આધારે ખંભાત શહેર પોલીસે વિષ્ણુ રતીલાલ, પ્રકાશ રતીલાલ, બોખા રતીલાલ, ઉત્તમ વિષ્ણુ, લાલુ વિષ્ણુ, ધર્મેશ પ્રકાશ, નયન પ્રકાશ સામે ગુનો નોંધ્યો હતો.
સામાપક્ષે ભાવીકાબહેન નયનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કાકા સસરા વિષ્ણુભાઈ રતીલાલને બાબુભાઈ હરીભાઈ, સિધ્ધાર્થ બાબુભાઈને ઘર પાસે ખુલ્લી જગ્યા છે, તેમાં ટેમ્પી લઇ સામાન મુકવા આવ્યા છે અને ઝઘડો થયો હતો. આથી, પરિવારના સભ્યો તુરંત ઘટના સ્તળે પહોંચ્યાં હતાં. તે સમયે ઝઘડો ચાલી રહ્યો હતો. જેમાં નરેશના હાથમાં લોખંડની પાઇપ હતી જે નયનભાઈને માથામાં મારી દીધી હતી. આ ધમાલમાં અન્ય લોકો ધસી આવતા મામલો થાળે પાડ્યો હતો. આ અંગે પોલીસે બાબુ હરિભાઈ, સિધ્ધાર્થ બાબુભાઈ, જીતેશ જયંતીભાઈ, નરેશ જયંતીભાઈ અને જયાબહેન જીતેશભાઈની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.