વતનનું ઋણ ચુકવ્યું:આણંદના સારસામાં એનઆરઆઈ દાતાઓએ દાનની ધારા વહેતી કરી, ગામના વિકાસ માટે 30 લાખનું દાન કર્યું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એનઆરઆઈ પરિવારે સેનિટેશનના સાધનો અને પાણીની ટાંકીના નવીનીકરણ માટે ગ્રામ પંચાયતને દાન આપ્યું
  • સાધનોનું લોકાર્પણ અને દાતા પરિવારનું સમ્માન સમારંભ સારસા ગ્રામ પંચાયત ખાતે આયોજિત કરાયો

આણંદના એનઆરઆઈ ગામ સારસામાં ગામના વિકાસ માટે એનઆરઆઈ દાતાઓએ દાનની ધારા વહેતી કરી હોય તેમ રૂપિયા 30 લાખનું દાન કર્યુ હતું. ગામમાં સ્વચ્છતા માટે સાધનોની જરૂરિયાતની ટહેલ કરતા જ ગામના એનઆરઆઈ પરિવારે સેનિટેશનના સાધનો અને પાણીની ટાંકીના નવીનીકરણ માટે લાખોની રકમનું દાન ગ્રામ પંચાયતને આપ્યું હતું. એનઆરઆઈ દાતાની સખાવતથી ખરીદવામાં આવેલા સાધનોનું લોકાર્પણ અને દાતા પરિવારનું સમ્માન સમારંભ સારસા ગ્રામ પંચાયત ખાતે આયોજિત કરાયું હતું. જેને ગ્રામજનોએ ખૂબ આવકાર્યું અને વધાવ્યું હતું.

આણંદના સારસા ગ્રામ પંચાયતમાં નવી ટર્મમાં સત્તા પરિવર્તન બાદ નવી ચૂંટાયેલી ટીમ ગ્રામ પંચાયતના વિકાસ કામો અને ગ્રામ સુધારમાં વધુ સક્રિય જણાઈ રહી છે. એનઆરઆઈ ગ્રામજનો પણ ગામના વિકાસમાં મોટી સખાવતથી મદદરૂપ થઇ રહ્યા છે. 65 ઉપરાંતની મોટી સખાવતથી આધુનિક પંચાયત ગૃહના નિર્માણ બાદ 25 લાખની મોટી રકમની સખાવતથી પાણીની ટાંકીનું નવીનીકરણ હાથ ધરવામાં આવનાર છે. જ્યારે આજે 5 લાખ ઉપરાંતની સખાવતથી સેનિટેશનના સાધનો વસાવવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ અને દાતા પરિવારના સમ્માનનો કાર્યક્રમ આજે સારસા ગ્રામ પંચાયત ખાતે આયોજિત કરાયો હતો.

આ અંગે સરપંચ કિરીટ પટેલે જણાવ્યું હતું કે, સારસા ગ્રામ પંચાયતના વિકાસમાં એનઆરઆઈ ગ્રામજનોનો મોટો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. પાણી, સ્વચ્છતા બાબતે શૈલેષભાઈ પટેલ દાતા પરિવાર દ્વારા 30 લાખ ઉપરાંતનું દાન આપવામાં આવ્યું છે. જેમાંથી ગ્રામપંચાયત દ્વારા 5 લાખના સેનિટેશનના સાધનો વસાવવામાં આવ્યા છે. જ્યારે 25 લાખના દાનનો ઉપયોગ પાણીની ટાંકીના નવીનીકરણમાં કરવામાં આવશે. આ દાનમાં મળેલા સાધનોને કારણે ગ્રામ પંચાયતને સૂકો અને ભીનો કચરો અલગ-અલગથી લેવામાં સરળતા રહેશે.

આ અંગે દાતા શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, હું 35 વર્ષથી અમેરિકા રહું છે. પરંતુ પ્રતિવર્ષ સારસા આવું છું. સરપંચ કિરીટ પટેલ દ્વારા ગામમાં સ્વચ્છતા બાબતે ખાસ ચોક્કસાઈ દાખવવામાં આવે છે તે ધ્યાને આવ્યું હતું. પરંતુ પંચાયતગૃહમાં સેનિટેશન સાધનોની અપૂરતી ઉપલબ્ધી હોઈ તે જરૂરિયાત અંગેની રજૂઆત મળતા જ અમે પાંચ લાખના સેનિટેશન સાધનની સહાય કરી છે અને 25 લાખની રકમ પાણીની ટાંકીના નવીનીકરણ માટે અર્પિત કરી છે. આગામી સમયમાં પણ જ્યારે જે જરૂરિયાત હશે તો હરહંમેશ મદદરૂપ રહીશું.

મહત્વનું છે કે, આ તબક્કે ગ્રામજનોમાં પણ ખૂબ ઉત્સાહ જણાતો હતો. ગામને સ્વચ્છતા અને વિકાસમાં અવ્વલ ક્રમાંકે પહોંચાડવા તમામ રીતે મદદરૂપ થવા ઉપસ્થિત નાગરિકોએ સંકલ્પ કર્યો હતો. જે અનુસંધાને ગામમાં લાઈબ્રેરીના નવીનીકરણ માટે પણ મોટું આયોજન હાથ ધરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...