બોરસદ તાલુકાના પામોલ ગામે સાળા - બનેવી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બનેવીનો ભાઇ વચ્ચે પડતાં નાના ભાઇના સાળાએ તેનું ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પામોલ ગામના દાવોલ રોડ પર જીવાપુરા સીમમાં રહેતા લક્ષ્મીબહેન ઉર્ફે દીપીકાબહેન રાજેશભાઈ ઠાકોર ઘરકામ કરે છે. તેમના પતિ રાજેશભાઈ ખેત મજુરી કરતાં હતાં. તેમને બે નાના ભાઈ અર્જુન ઉર્ફે ઢોલો અને અર્જુન પણ નજીકમાં રહે છે. દરમિયાનમાં 13મીની સાંજના સાતેક વાગ્યાની આસપાસ અર્જુન ઉર્ફે ઢોલો શના ઠાકોર તથા તેના સાળા અજય જગદીશ માછી બન્ને જણાને છાપરામાં જમવા બાબતે ઝઘડો થયો હતો. જેથી અર્જુનના મોટા ભાઈ રાજેશ આ ઝઘડામાં અર્જુન અને અજયને છુટા પડાવવા વચ્ચે પડ્યાં હતાં. જોકે, બાદમાં લક્ષ્મીબહેન અને રાજેશ જતાં રહ્યાં હતાં. બીજી તરફ સાળો અજય અને પત્ની રેખાબહેન ઘરેથી નિકળી ગયાં હતાં. તેની પાછળ પાછળ અર્જુનભાઈ પણ નિકળ્યાં હતાં. થોડે દુર દાવોલ - પામોલ વાળી મોટી નહેર પર તેમની પાછળ લક્ષ્મીબહેન અને રાજેશભાઈ પણ ગયાં હતાં. બન્ને જણા નહેર પર અર્જુનને સમજાવવા ગયાં હતાં. તું અત્યારે ઘરે ચાલ તેમ કહેતા અર્જુન એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને રાજેશ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.
આ સમયે કાશીબહેન તથા જયદીપ ઉર્ફે ભોલો રમણ ઠાકોર, અનુજ ઉર્ફે મોન્ટો જયભાઈ ઠાકોર, પરેશ પરસોત્તમ ગોહેલ આવી ગયાં હતાં. તેઓએ રાજેશને છોડાવવા પડે પડ્યાં હતાં. આ સમયે અર્જુને રાજેશના ગળામાં પહેરેલો મંદિરનો દોરો આવી જતાં તેણે એકદમ પકડી રાખ્યો હતો અને જોરથી ખેંચતા ગળે ટુંપો આવી ગયો હતો. જોકે, દોરો તુટી ગયાં બાદ તેને લાતો મારી ધક્કો મારી નહેરના પાળા પર લોખંડની એંગલ સાથે અથડાવતા નીચે પડી ગયાં હતાં.દરમ્યાન અર્જુન ઉર્ફે ઢોલાએ જોરથી ગળું દબાવી જકડી લેતા તે બેભાન થઈ ગયા હતા.બાદમાં અર્જુન ઉર્ફે ઢોલો અપશબ્દ બોલતાં જતો રહ્યો હતો. બેભાન થઇ ગયેલાં રાજેશને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ડોક્ટરે તેને મૃત્યું પામેલો જાહેર કર્યાં હતાં. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે અર્જુન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.