ચરોતર ઠૂંઠવાયું:એક દિવસમાં તાપમાન 3 ડિગ્રી ઘટી 9.05 પર પહોંચ્યું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી સપ્તાહમાં તાપમાન 7 ડિગ્રી સુધી પહોંચે તેવી વકી ઃ મોસમનો સૌથી ઠંડો દિવસ

ચરોતરમાં એક જ દિવસમાં ત્રણ ડિગ્રી ઘટીને પારો 9.05 ડિગ્રી પર પહોંચી જતાં ચરોતર ઠંઠવાયું હતું. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનનો પારો નીચો રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે. ઉતર પ્રદેશમાં થઈ રહેલી હિમ વર્ષાના પગલે 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જયારે એક સપ્તાહમાં 8 ડિગ્રીનું તાપમાન ઘટયું છે. આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડ વેવ યથાવત રહે તેવી સંભાવના હાલ સેવાઈ રહી છે.

આણંદ-નડિયાદ શહેર સહિત ચરોતરમાં પારો ગગડતાં સીઝનનો કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. સીઝનનું સૌથી નીચું તાપમાન 9.05 ડિગ્રી નોંધાતા ચરોતરવાસીઓ ઠૂંઠવાઈ ગયાં હતાં. છેલ્લાં 24 કલાકમાં એક સાથે પારો ૩ ડિગ્રી સે. ઘટતાં શીતવેવ ફરી વળી હતી. આણંદ-નડિયાદ સહિત બંને જિલ્લામાં હવે દિવસે પણ ઠંડીનો ચમકારો અનુભવવા મળી રહ્યો છે. આણંદ - નડિયાદ શહેરમાં ઉત્તર-પૂર્વમાંથી ઠંડા પવનો ફૂંકાતાં તાપમાનમાં અચાનક ઘટાડો થયો હતો. ચરોતરનું લઘુતમ આજે 9.05 ડિગ્રી નોંધાતા સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. રવિવાર સાંજથી જ ઠંડા પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયાં હતાં. મધ્યરાત્રે તાપમાન 9.05 ડિગ્રી સુધી નીચે ઊતરી જતાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. રવિવારમોડી સાંજથી જ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.

આણંદ-નડિયાદ શહેરમાં રાત્રિના 8 થી 9 વાગ્યા બાદ રાજમાર્ગો પર લોકોની હાજરી પાંખી જાેવાં મળી રહી છે. લોકોએ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ઠંડીના કારણે હવે ઓછું કરી દીધું છે. રાત્રિના 11 વાગ્યા બાદ તો જાણે એવું લાગે છે કે, શહેર ભેંકાર થઈ ગયું હોય. આજે વહેલી સવારે પણ ઘરની બહાર નીકળેલાં નોકરીયાતો, ધંધાર્થએ જતાં લોકોએ ગરમ કપડાંનો સહારો લેવો પડ્યો હતો.

આણંદ કૃષિ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર, આજે મહત્તમ તાપમાન 25.05 ડિગ્રી, લઘુતમ તાપમાન 9.05 ડિગ્રી સે. નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા, પવનની દિશા ઉત્તર-પૂર્વની નોંધાઈ હતી. પવનની ગતિ પ્રતિ કલાક 5.2 કિમી નોંધાઈ છે. જાેકે, ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં હોવાથી આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ નીચે ઊતરે તથા વધુમાં આગામી સમયમાં ઠંઠીના વર્તોરો રહે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડવેવ યથાવત રહેશે
આણંદ કૃષિ હવામાન વિભાગના ડો. મનોજ લણાગરીયાએ જણાવ્યું હતું કે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન લઘુતમ તાપમાન 12 થી 14 ડિગ્રીની વચ્ચે રહે છે. જેમાં એકાદ બે દિવસ તાપમાન 10 ડિગ્રીથી નીચે જાય છે. હિમવર્ષાના પગલે આગામી દિવસમાં ચરોતરમાં તાપમાનમાં સામાન્ય વધઘટ સાથે એકાદ દિવસ લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી પહોંચવાની સંભાવના છે. હાલમાં નોર્થમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે ઠંડીનું જોર એક સપ્તાહ સુધી જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...