ખંભાતમાં ગ્લોબલ ભાવિ ફાઉન્ડેશનના નેજા તળે એક દિવસીય સામાજિક ચિંતન શિબિર -2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ ચરણ દરમિયાન વિવિધ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિરમાં ગ્લોબલ ભાવિ ફાઉન્ડેશનના વિનોદભાઈ પરમાર દ્વારા પ્રેરક પ્રવચન અને હાકલથી હાજર સામાજીક ચિંતકો પૈકી 13 સભ્યોએ સ્વૈચ્છિક ધોરણે મંચ પર આવી ભાલબારા સમાજ ભવન સમિતિની રચના કરી હતી. સમિતિ વહીવટ અને સંચાલન માટે સમિતિ સભ્યોની સ્પષ્ટ બહુમતી મળતા પ્રમુખ તરીકે નિવૃત શિક્ષક અમરાભાઈ ચૌહાણ અને ઉપ પ્રમુખ તરીકે સામાજીક કાર્યકર ભાનુબેન પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી
ખંભાતની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે ભાલબારા સમાજના સર્વગ્રાહી વિકાસ અને કલ્યાણને સ્પર્શતા શિક્ષણ અને સમાજ ભવન મુદ્દાઓ પર સહ ભાગીદારી પદ્ધતિથી તંદુરસ્ત ચર્ચા કરવા ગ્લોબલ ભાવિ ફાઉન્ડેશનના નેજા તળે એક દિવસીય સામાજિક ચિંતન શિબિર- 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, વડીલો, શિક્ષક ગણ, સામાજીક આગેવાનો, સેવા નિવૃત ગણ અને સામાજીક કાર્યકરો જોડાયા હતા.
આ શિબિરના પ્રથમ ચરણમાં ગ્લોબલ ભાવિ ફાઉન્ડેશનના પ્રમુખ તરુણભાઈ ચૌહાણ દ્વારા પધારેલા સર્વ સમાજ ચિંતકોનું શાબ્દિક હાર્દિક સ્વાગત કરી આરાધના બાદ પધારેલા ફાધર અને અન્ય ચિંતનશીલ સામાજીક કાર્યકરો દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની છબીને પુષ્પમાળા પહેરાવી ચિંતન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દ્વિતિય ચરણમાં ગ્લોબલ ભાવિ ફાઉન્ડેશનના વિનોદભાઈ પરમાર દ્વારા ટેક્નોલોજીના માધ્યમનો ઉમદા ઉપયોગ કરી સમાજ ભવનનું મહત્વ, સમાજ ભવન સમિતિની રચનાનું માળખું અને જવાબદારીઓ, જમીન સંપાદન અને સંકલન, અંદાજ પત્ર, સામાજીક માનવ સંસાધન નો ઉપયોગ ઇત્યાદિ કેન્દ્રબિંદુઓ પર પ્રકાશ પાડી સમાજ ભવન નિર્માણ માટે સહિયારા સહકાર અને સંકલન માટે અપીલ કરી હતી.
તૃતીય ચરણમાં ગ્લોબલ ભાવિ ફાઉન્ડેશનના નીતિનભાઈ મેકવાન દ્વારા પ્રેઝન્ટેશન માધ્યમથી અન્ય વણકર સમાજની સિદ્ધિઓ - પ્રગતિ- કાર્ય યોજનાઓનો ચિતાર આપી સમાજમાં શિક્ષણનું મહત્વ અને ભૂમિકા, મૂલ્ય આધારિત શિક્ષણ, શિક્ષણ સબંધિત પ્રશ્ન અને સમાધાન ,નવીન શિક્ષણ નીતિ, વ્યવસાયિક શિક્ષણ,વિદેશ અભ્યાસ અને ભાવિ આયોજન અંગે ખૂબ સરળ ભાષાશૈલીમાં વિસ્તૃત છણાવટ કરી હતી. નિવૃત આચાર્ય અમરભાઈ પરમારે ભાલબારા સર્વાંગી વિકાસ માટે પ્રતિ ગામ સદ્દભાવી સમાજ મિત્રની જરૂરિયાત, સામાજીક આગેવાનનું ઉત્તરદાયિત્વ, શિક્ષણનું મહત્વ, કન્યા કેળવણી,મહિલા વિકાસ, કલ્યાણકારી અને રચનાત્મક કાર્યક્રમનું આયોજન ઇત્યાદિ સંકલિત બાબતોનું અમલીકરણ કરવા પાત્ર મુદ્દાઓનું ક્રમાનુસાર વિવરણ કરી ટકાઉ સમાજ વિકાસ તરફ દિશાનિર્દેશ કર્યો હતો.
શિક્ષક મફતભાઈ ચૌહાણે સમાજ સેવા અને સહાય સબંધિત ઘટના વર્ણવી પરસ્પર સહકાર નિર્માણ થાય તે માટે અપીલ કરી હતી. શિક્ષક ત્રિભુવનભાઈએ ગ્લોબલ ભાવિ ફાઉન્ડેશનને "વૈશ્વિક પ્રારંભ પાયાની નવીન વિભાવના આપી સહકારી ભાવના દાખવી સમાજ વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી હતી. આ શિબિરને સફળ બનાવામાં ગ્લોબલ ભાવિ ફાઉન્ડેશનના સર્વ કર્મશીલ ,યુવાનો, મહિલાઓ, શિક્ષક મિત્રો,વડીલો,સામાજીક આગેવાન, સામાજીક કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.