અનાજ કૌભાંડ:આણંદના જોળ ગામમાં ગ્રામજનોએ સરકારી અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાડ ઝડપી પાડ્યું

આણંદએક મહિનો પહેલા
  • ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસ અને મામલતદારની ટીમે દરોડા પાડ્યાં
  • પરવાનેદારને ત્યાં નિયત કરતા વધુ જથ્થો હોવાનો અહેવાલ
  • દરોડા અંગેનો અનાજના જથ્થાનો સત્તાવાર રિપોર્ટ બનાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે

રાજયમાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરીના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે આણંદના જોલ ગામે ગ્રામજનોએ સરકારી અનાજના જથ્થાની ગેરકાયદેસર હેરફેરનો પર્દાફાશ કરી વિદ્યાનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘઉંનો જથ્થો લઈ જતી ગાડી અને જથ્થો કબ્જે લઈ પુરવઠા વિભાગને જાણ કરી જોળ ગામે પરવાનેદારના ગોડાઉન ઉપર સંયુક્ત દરોડા પાડ્યા હતા. જેમાં અનેક ગેરરીતિ ઝડપાઈ હોવાના અહેવાલો જાણવા મળ્યા છે.

વિશ્વ અન્ન દિવસે જ આણંદના જોળ ગામે સરકારી અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. એક તરફ રાજય સરકાર ગરીબોને અનાજ અને કઠોળ મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનો ખોલીને વિતરણ કરાવે છે. ત્યારે સરકારના જ અમુક અધિકારીઓ અને વચેટીયાઓ તેમજ દુકાનદારોની મીલીભગતના કારણે આ સસ્તુ સરકારી અનાજ ગરીબો સુધી પહોંચતું નથી અને બારોબાર વેચાઈ રહ્યુ છે. ગ્રાહકો જ્યારે પરવાનેદારની દુકાનમાં અનાજ લેવા જાય ત્યારે દુકાનદાર સરકારમાંથી માલ આવ્યો નથી અથવા તો ખાલી થઈ ગયો છે કે તમારુ રેશનકાર્ડ રદ થયું છે, અથવા ટાવર કનેક્ટિવિટી નથી વગેરે જેવા ઉડાઉ જવાબો આપતા હોય છે. જેથી ત્રાહિમામ પોકારી ઉઠેલા જોળ ગામના ગ્રાહક નાગરિકોમાં વ્યાપક આક્રોશ ઉઠ્યો હતો.

જોલ ગામના યુવાનોએ બુદ્ધિ અને યુક્તિ પૂર્વક સરકારી પરવાનેદારને ત્યાં દિવસ રાત નજર ગોઠવી દીધી હતી. આ અંગે જોળના ઇન્દીરાનગરી ખાતે રહેતાં મુકેશ જશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી અમને શંકા હતી કે સરકારી અનાજ બારોબાર વેચાઇ રહ્યું છે. જેથી શનિવારના રોજ સવારે દસ યુવકોએ વોચ ગોઠવી હતી અને બપોરના અનાજનો જથ્થો ભરી નીકળેલા વાહનનો પીછો કર્યો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસને જાણ કરતાં તાત્કાલિક ટીમ પણ મદદમાં આવી ગઈ હતી અને કરમસદ ખાતે વાહનને રોકવામાં સફળતા મળી હતી. આ વાહનમાં રહેલું અનાજ સરકારી હોવાથી તાત્કાલિક વિદ્યાનગર પોલીસ મથકે લઇ ગયા હતા.

મહત્વનું છે કે, વિદ્યાનગર પીઆઈ.એલ.બી.ડાભી અને પીએસઆઇ પી.બી.જાદવ તેમજ આણંદ ગ્રામ્ય મામલતદાર આર.ડી.પરમાર અને પુરવઠા વિભાગ સહિતની ટીમ જોળ ગામે પરવાનેદારના ગોડાઉને પહોંચી હતી. જ્યા તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ છે. ગોડાઉનના અનાજના જથ્થાની ચકાસણી કરતા માલનો જથ્થો વધુ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. મામલતદાર ટીમ દ્વારા આ દરોડા અંગેનો અનાજના જથ્થાનો સત્તાવાર રિપોર્ટ બનાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

આ દુકાનનો પરવાનો રણજિતભાઈ પુનમભાઈ પરમારના નામનો હતો. જેમનું મૃત્યુ થતા તે પરવાનો તેમની વિધવા પત્નિ કીર્તિબેન પરમારના નામે હતો. જોકે, તેનો વહીવટ જોળ ગામના સરપંચ અને પરવાનેદાર વિધવા મહિલાના જેઠ જગદીશભાઈ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જગદીશભાઈનો સંપર્ક કર્યો હતો. જોકે, તે ગોડાઉને હાજર થયો ન હતો. પોલીસ અને મામલતદાર ટીમ દ્વારા સખ્તાઈ કરતા દુકાનનો ઓપરેટર કલ્પેશ હાજર થયો હતો અને તપાસમાં જોઈતી તમામ વિગતો આપી હતી.

દરોડા દરમ્યાન સરપંચ પરિવારે પોલીસના નાકે દમ લાવી દીધો
પોલીસ અને મામલતદર ની ટીમ તપાસમાં પહોંચતા પરવાનેદાર ના સસરા દુકાને પહોંચ્યા હતા.પોલીસ અને મામલતદાર ટીમને યોગ્ય સહકાર ન કરતા મામલો બિચક્યો હતો.સીસીટીવી ના ડીવીઆર માટે પણ પોલીસ ટિમ ને બે કલાક ગોળ ગોળ ફેરવ્યા હતા.વળી ડીવીઆર બગડેલ હોઈ રીપેરીંગ માં આપ્યું હોવાનું જણવ્યું હતું.પોલીસ દ્વારા ફોન કરતાં સામેથી કોઈ રીપેરીંગ વાળા એ તેને ત્યાં જ ડીવીઆર રીપેરીંગમાં હોવાનું જણાવ્યું હતું.જોકે પોલીસે ગોડાઉનના પાછળના ભાગે તાપસ કરતા ડીવીઆર તેઓના દીકરાની સ્કૂલ બેગમાં મળી આવ્યું હતું.બીજું એક દુકાન પોલીસે ખોલવાનું જણવ્યું તો પણ ગોળ ગોળ જવાબો આપી પોલિસને સહકાર કર્યો નહોતો.જે બાબતે પણ પોલીસે પાછળના ભાગે ની રૂમ જઈ જે તે દુકાનમાં રેડ કરતા તે બંધ દુકાનમાંથી 1250 કિલો નો ઘઉંનો જથ્થો ઝડપાયો હતો.

જથ્થામાં તફાવત જણાતા પરવાનેદારને સીઝર નોટિસ અપાઈ

આણંદ ગ્રામ્ય મામલતદાર આર.બી.પરમારે જણાવ્યુ હતું કે વિદ્યાનગર પોલીસનો મેસેજ મળતાં સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવામાં આવી હતી. દુકાનદારના ઓનલાઇન જથ્થા અને ભૌતિક ચકાસણીની તપાસ કરતા મોટો તફાવત જોવા મળ્યો હતો. જેથી ઘઉં ,ચોખા ,દાળ સહિતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.જે અંગે ની નોટિસ પરવાનેદારને આપવામાં આવી છે. આ ઉપરાંત અનાજ ન મળતું હોવાની ફરિયાદ બાબતે દુકાનદારના તમામ રેશનકાર્ડનું ક્રોસ ચેકીંગ કરવામાં આવશે. આ સમગ્ર મામલા અંગે જિલ્લા પુરવઠા અધિકારીને અહેવાલ મોકલવામાં આવશે.તેઓ જે આદેશ કરશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...