• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • In Different Areas Of Khambhat, Banners Of MLAs Not Coming To Ask For Votes Were Raised, BJP Candidate Mayur Rawal's Problem Increased.

ભાજપના ઉમેદવારનો વિરોધ:ખંભાતમાં મયુર રાવલના જાહેરાત બાદ યોજાયેલી યાત્રા દરમિયાન મહિલાઓએ હલ્લાબોલ કર્યો, કોરોનાકાળ સમયના વિરોધના પોસ્ટર વાયરલ થયા

આણંદ19 દિવસ પહેલા

ખંભાત વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે, અહીં ભાજપ દ્વારા ધારાસભ્ય મયુર રાવલને પુનઃ ટિકિટ આપતા વિરોધ ઉભો થયો છે. જેની પ્રતિતિ તેમને શોભાયાત્રા દરમિયાન થઇ હતી. મયુર રાવલનું નામ જાહેર થતાં તેમને ટેકેદારોએ ઢોલ – નગારા સાથે શોભાયાત્રા યોજી હતી. જેને મહિલાઓએ રોકી હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો હતો.

જૂના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ
જૂના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ

આણંદ જિલ્લામાં ભાજપનો ગઢ ગણાતી ખંભાતની બેઠક ઉપર મયુરભાઈ રાવલને રિપીટ કરતા સ્થાનિક સ્તરે પ્રજાજનોમાં ભારે કોલાહલ અને વિરોધનો માહોલ સર્જાયો છે.ખંભાત બેઠક ઉપર મયુરભાઈ રાવલ જાહેર થતા જ્યારે કાર્યકરો ઝુલુસ નીકળ્યું ત્યારે ખંભાતના નગર વિસ્તારમાં તેઓને મહિલાઓએ ઘેરી ઢોલ નગારા બંધ કરાવી હલ્લાબોલ કરી વિરોધ કર્યો હતો. જેનો વીડિયો વાઇરલ થયો હતો. હજુ ગઈકાલે પણ મતવિસ્તારમાં પ્રચારમાં નીકળેલ મયુરભાઈ રાવલને લોકવિરોધનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ બે વર્ષ અગાઉ કોરોના કાળની કપરી પરિસ્થિતિ સમયે ધારાસભ્ય અને નગરપાલિકા કાઉન્સિલર પ્રજાને ઉપયોગી ન થયા હોવાના આક્ષેપ સાથે ચૂંટણી મુદ્દો બનાવી રહ્યા છે.વળી ચૂંટણી ટાણે જે તે સમયેની ધારાસભ્ય તરીકેની મયુરભાઈની કોરોનાકાળની નિષ્ફળ કામગીરી અને વિરોધની ઘટનાના જે તે સમયે લાગેલા ધારાસભ્ય વિરોધી બેનરો પણ હાલ વાઇરલ કરી ભાજપ ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે.

મયુરભાઈ રાવલના વિરોધને લઈ ભાજપ જિલ્લા સંગઠન પણ ચિંતામાં છે અને યેનકેન પ્રકારે આ વિરોધ ઠારવા સૂચના આપવામાં આવી રહી છે.તેમજ જિલ્લાના હોદ્દેદારોને પણ આ સમસ્યાને ઉકેલવા કામે વળગાળ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવારોના નામો જાહેર થઈ જતા ક્યાંક ખુશી ક્યાંક ગમ નો માહોલ જોવાઇ રહ્યો છે.જોકે હજુ ખૂલીને કોઈ બહાર નથી આવી રહયુ પરંતુ આંતરિક ચણભણ ચૂંટણી દાવેદારો વચ્ચે ડેમેજ કન્ટ્રોલ કરી ઘણા ઉમેદવારો પ્રચારના કામે લાગી ગયા છે.બીજી તરફ ઉમેદવારો પ્રજા વચ્ચે જતા પણ હવે ક્યાક આવકાર તો ક્યાંક ભારે વિરોધનો સામનો કરવો પડી રહયો છે.આણંદમાં ત્રણેક વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગ્યા હતા તેમજ આણંદ ધારાસભ્ય કાંતિભાઈ સોઢાપરમારના વિરોધના વીડિયો વાઇરલ થયા હતા.હાલ ભાજપના ખંભાતના ઉમેદવાર મયુરભાઈ રાવલને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.જેને લઈ આણંદ જિલ્લામાં ભાજપની સૌથી વધુ મજબૂત ગણાતી બેઠક ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે.

અન્ય સમાચારો પણ છે...