આણંદ જિલ્લામાં તા.14 માર્ચ 2023 થી 29 માર્ચ 2023 દરમ્યાન ધો.10અને ધો.12ની પરીક્ષા યોજાનાર છે.પરીક્ષાના કેન્દ્રો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય અને પરીક્ષા કેન્દ્રોની આસપાસ વાલીઓ અને લોકોના ટોળાઓ એકઠા થતા હોય છે.જેને લઈ ક્યારેક અનિચ્છનિય બનાવ બની જતો હોય છે.આવા સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થતી ખોરવાઈ જતી હોય છે.આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આવી ઘટનાઓને અંકુશમાં રાખવા જાહેરનામાં થકી કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આણંદ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધો.10 અને ધો.12ની પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે ઉપરાંત કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે, પરીક્ષાનું મુક્ત, ન્યાયી અને સરળ સંચાલન થાય તેમજ પરીક્ષામાં થતી ગેરરીતીઓ અટકાવવા માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ 14 માર્ચ 2023 થી 29 માર્ચ 2023 સુધી આ પરીક્ષા કેન્દ્રો અને તેની બિલ્ડીંગોની આસપાસ કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામામા જણાવ્યા પ્રમાણે પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની 200 મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઇપણ બિનઅધિકૃત વ્યકિત તથા સંબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલ હોય તે શાળાના સંચાલક મંડળના સભ્યો કે હોદ્દેદારોને પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની 200 મીટરની ત્રિજયામાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે.
આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની કમ્પાઉન્ડની દિવાલની 200 મીટરની ત્રિજયામાં આવેલ તમામ ઝેરોક્ષ મશીનો સવારના 8:00 થી સાંજના 7:00 કલાક સુધી ચાલુ રાખવા પર તેમજ પરીક્ષાના કેન્દ્રોમાં કોઈ પણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઇ પણ કર્મચારી (સરકારી પ્રતિનિધિ સિવાય) ને મોબાઇલ ફોન કે ઇલેકટ્રોનિક માધ્યમથી સંદેશાવ્યવહાર કે રેર્કોડીંગ થઇ શકે તેવા કોઇપણ પ્રકારના ઉપકરણ લઇ જવા પણ પ્રતિબંધ ફરમાવેલ છે.આ જાહેરનામું જિલ્લાના પરીક્ષા કેન્દ્રોના વિસ્તારને લાગુ પડશે, તેમજ આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમ શિક્ષાને પાત્ર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.