માથાભારે શખ્સ સામે કાર્યવાહીની માંગ:બોરસદના નાપા ગામમાં માથાભારે શખ્સ લવીંગ ખાને બે યુવકો હુમલો કર્યો, ગ્રામજનોએ બંધ પાળી કાર્યવાહીની માંગ કરી

આણંદ14 દિવસ પહેલા
  • માથાભારે શખ્સ લવીંગ ખાન લવજેહાદના મુદ્દે ચર્ચામાં આવ્યો હતો

બોરસદના નાપા ગામના માથાભારે શખ્સ લવીંગ ખાને છેલ્લા ત્રણ દિવસમાં બે યુવક પર જીવલેણ હુમલો કરતાં હોહા મચી ગઈ છે. આ અંગે ગ્રામજનોએ આજે સજ્જડ બંધ પાળ્યો હતો અને લવીંગ ખાન અને તેની માથાભારે ટોળકીને તાત્કાલિક પકડી ગામમાં શાંતિની માંગણી કરી છે.

નાપા ગામમાં છેલ્લા કેટલાક સમયથી કૂખ્યાત આલેફ ઉર્ફે લવીંગ રસુલ પઠાણ અને તેની ટોળકીએ આતંક મચાવી દીધો છે. આ ટોળકીએ માત્ર ત્રણ દિવસમાં બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાના ગામમાં ઘેરા પડઘા પડ્યાં હતાં. લવીંગખાને આ અગાઉ લવજેહાદ પ્રકરણમાં લાઇમલાઇટમાં આવ્યો હતો. બાદમાં થોડો સમય શાંતિ રહ્યા બાદ ફરી તેણે માથુ ઉંચક્યું છે અને ઉપરા છાપરી હુમલા કરી રહ્યો છે. જેના કારણે ગામમાં શાંતિથી રહેતા અન્ય પરિવારજનોમાં ફફડાટની લાગણી ફેલાઇ રહી છે.

આ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, હજુ તે ઝડપાયો નથી. આથી, રોષે ભરાયેલા ગ્રામજનોએ મંગળવારની મોડી રાત્રે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે ગ્રામજનો પહોંચ્યાં હતાં અને હલ્લાબોલ કર્યો હતો અને લવીંગ ખાનને તાત્કાલિક પડી પાડવા માંગણી કરી હતી. જ્યારે આજે નાપા ગામમાં બંધ પાળ્યું હતું.

આ અંગે ગામના સાલેમ ગાઝીએ જણાવ્યું હતું કે, આજે અમારૂ ગામ સદંતર બંધ છે જેનું કારણ છે લવીંગ ખાન પઠાણ. છેલ્લા બે દિવસમાં આ શખ્સ અને તેની ટોળકીએ બે યુવકો પર હુમલો કર્યો છે. અમને સતત ધમકીઓ આપે છે. અમારી માંગ છે કે, આ શખ્સ સામે જલ્દી કાર્યવાહી કરવામાં આવે.

આ અંગે ગ્રામ પંચાયતે કલેક્ટર અને એસપીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, લવીંગખાન ગમે તે વ્યક્તિને માર મારવો, જમીનનો કબજો કરવા, લવ જેહાદ જેવા સમાજ વિરોધી ગુનામાં સંડોવાયેલો છે. ગામની એકતા ડહોળાવવી, લોકો પર સત્તાના જોરે અત્યાચાર કરવો, બળથી લોકોને દબાવવા, મારામારી કરવી, હિંસા કરવી, દહેશત ફેલાવવી વગેરે જેવી રોજબરોજની તેની પ્રવૃત્તિ છે. જેના થકી નાપા ગામની આમ પ્રજા સતત કંટાળી ગઇ છે.

ગામની સમગ્ર હિન્દુ - મુસ્લિમ પ્રજા ગામમાં શાંતિનું વાતાવરણ ઇચ્છે છે. હાલમાં લવીંગખાને ત્રણેક દિવસમાં બે વ્યક્તિને જીવલેણ મારમાર્યો છે. તે જાતે કબુલે છે કે, હું તો પોલીસને ખીસ્સામાં લઇને ફરું છું, તેઓ મારું કશું બગાડી શકવાના નથી. આથી, આવા માથાફરેલા, કૂખ્યાત અને અસામાજીક વ્યક્તિ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા માથાભારે વ્યક્તિ પર નિયંત્રણ લાવવામાં આવે, તેવી ગ્રામજનોની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...