બોરસદ તાલુકાના કંસારી ગામમાં તમાકુ ખાવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પુત્રએ જ્યારે પિતા સુઈ ગયાં હતા, ત્યારે લાકડાનાં દંડાથી હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે હત્યારા પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાકડાનો ડંડો લઈ નિંદ્રામાં સુઈ રહેલા પિતા ઉપર પુત્ર તુટી પડ્યો
બોરસદ તાલુકાના કંસારી ગામમાં તળપદા વિસ્તારમાં રહેતા મણિલાલ મંગળભાઈ તળપદાનો પુત્ર ભઈલાલ તમાકુ ખાતો હોવાથી પિતાએ તેને શું તમાકુ ખાખા કરે છે! તેમ કહી ઠપકો આપ્યો હતો. જેની રીસ રાખીને ગુરૂવારના રોજ રાત્રિના સમયે પિતા મણીભાઈ તળપદા જમી પરવારીને સુઈ ગયા હતા. ત્યારે પુત્ર ભાઈલાલ લાકડાનો ડંડો લઈ આવી ઘોર નિંદ્રામાં સુઈ રહેલા પિતા ઉપર તુટી પડ્યો હતો અને માથાના ભાગે લાકડાના ડંડાના ઘા મારી માથું ફાડી નાંખી હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઈને અવાજ થતા આજુબાજુના લોકો દોડી આવ્યાં હતાં. તે સમયે પુત્ર ભાઈલાલ ત્યાંથી ભાગી ગયો હતો.
પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
આ દરમિયાન પુત્રના જીવલેણ હુમલાથી લોહીલુહાણ હાલતમાં મણીભાઈ તળપદાને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં હાજર તબીબે ગંભીર રીતે ઇજાગ્રસ્ત મણિલાલ તળપદાને મૃત જાહેર કર્યા હતાં. આ ઘટનાને લઈને બોરસદ શહેર પોલીસ મથકના પીઆઇ ડી.આર.ગોહિલ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને જરૂરી કાર્યવાહી કરી પિતાની હત્યા કરનાર પુત્ર ભઈલાલની ધરપકડ કરી તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.