બોરસદ તાલુકાના સારોલ ગામે રહેતી પરિણીતાના ગોધરા રહેતા સાસરિયાએ મારઝુડ કરી ત્રાસ આપી કાઢી મુકી હતી. આ અંગે પરિણીતાની ફરિયાદ આધારે ભાદરણ પોલીસે ચાર સાસરિયા સામે ગુનો નોંધ્યો હતો.
સારોલ ગામે રહેતા અરવિંદ સોમાભાઈ વાઘેલાની દીકરી દુર્ગાબહેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા નિસર્ગ સંજયભાઈ પરમાર સાથે થયાં હતાં. જોકે, લગ્નથી વિદાય સમયે ગાડીમાં જ નિસર્ગને તેના મિત્રો જુનુ બધુ ભુલી જવાનું, ભાભી (દુર્ગાબહેન) સાથે સારા સંબંધ રાખવાનું સમજાવતાં હતાં. આશ્ચર્યજનક બાબત એ છે કે, પ્રથમ રાત્રિએ જ નિસર્ગે સ્પષ્ટતા કરી હતી કે, મારા માતા - પિતાની મરજીથી લગ્ન થયા છે, મારી મરજી નહતી. બીજા દિવસથી નિસર્ગે વાતચીત બંધ કરી દીધી હતી. વારંવાર તું મારી પસંદ જ નથી. મને તારી સાથે વાતો કરવાનું ગમતું નથી. તેમ કહેતો હતો. આ ઉપરાંત મોડી રાત સુધી ઘરે આવતો નહતો. દુર્ગાબહેન કંઇ પુછે તો ઝઘડો કરતો હતો. સાસુ, સસરા અને જેઠને ફરિયાદ કરતાં તેઓએ નિસર્ગનું ઉપરાણું લીધું હતું. નિસર્ગ ઘરે આવે એટલે તેના ભાભીના રૂમમાં જતો રહેતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
આ અંગે બન્ને વચ્ચે ઝઘડા વધી ગયાં હતાં. એક દિવસે તો નિસર્ગે અચાનક દુર્ગાબહેનનું ગળુ પકડી મારી નાંખવાની ધમકી આપી હતી. દોઢેક વર્ષના લગ્ન જીવન બાદ પણ પતિમાં કોઇ સુધારો આવ્યો નહતો. દુર્ગાબહેનના માતાની તબિયત બગડતા તેઓ સારોલ આવવા માંગતા હતા. પરંતુ નિસર્ગે તેને મુકવા જવાના બદલે બસમાં બેસાડી દીધાં હતાં. સાસરિયાઓએ પાછળથી આવી છુટુ કરવા મુદ્દે ઝઘડો કર્યો હતો. આખરે છુટુ કરવાનું નક્કી કરતાં દુર્ગાબહેનને લાગી આવ્યું હતું અને 3 જાન્યુઆરી,22ના રોજ દવા પી લીધી હતી.
આ અંગે દુર્ગાબહેન પરમારની ફરિયાદ આધારે ભાદરણ પોલીસે નિસર્ગ સંજય પરમાર, કુસુમબહેન સંજય પરમાર, પ્રિયંકાબહેન નિકુંજ પરમાર અને સંજય લક્ષ્મણ પરમાર (રહે.તમામ ગોધરા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.