પઠાણી ઉઘરાણી:બોરસદમાં ઉછીના આપેલા નાણા વસૂલવા માટે ત્રણ શખ્સોએ ખેડૂતને માથામાં ટોમી ફટકારી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીન ગીરો મુકી રૂ.1.60 લાખ લીધાં હતાં, જેની ઉઘરાણી બાબતે વડોદરાના શખસે પોત પ્રકાશ્યું

બોરસદના સીંગલાવ નાપા રોડ પર રહેતા ખેડૂતે એકાદ વર્ષ પહેલા જમીન ગીરો મુકી વડોદરાના ઈસમ પાસેથી રૂ.1.60 લાખ લીધાં હતાં. આ રકમની ઉઘરાણી કરવા આવેલા ત્રણ શખસે ખેડૂતને માથામાં ટોમી ફટકારી જીવલેણ ઇજા કરી હતી. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ત્રણ શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદના સીંગલાવ ગામના નાપા રોડ પર રહેતા અને ખેતી કરી જીવન ગુજારતા બુધાભાઈ ઉમેદભાઈ પટેલે પોતાની સહિયારી જમીન એક વર્ષ પહેલા ગીરો મુકી દિલીપ ઉર્ફે દિલાવર મલેક (રહે.ગોરવા, વડોદરા) પાસેથી રૂ.1.60 લાખ લીધાં હતાં. આ સમયે તેની સાથે તેમનો ભત્રીજો અંકિત પટેલ પણ હતો. આ જમીન દિલીપ ઉર્ફે દિલાવર ખેડતાં હતાં અને ખેતીની ઉપજ લઇ જતાં હતાં. દરમિયાનમાં 23મી નવેમ્બરના રોજ સવારે ગાડીમાં દિલીપ ઉર્ફે દિલાવરના દિકરા અલ્તાફ આવ્યો હતો અને તેણે બુધાભાઈ પટેલના ભત્રીજા અંકિતકુમાર મહેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.24)ને બોલાવી બાજુમાં વડ નજીક લઇ ગયો હતો. જ્યાં તું જમીન ઉપરના પૈસા ક્યારે મને આપીશ ? તેમ પુછ્યું હતું. આથી, અંકિતે જવાબ આપ્યો હતો કે, મારે ગીરો પેટે જમીનમાં પૈસા તમોને પાછા આપી દેવાના છે. તેમ કહેતા ઝઘડો થયો હતો.

મહત્વનું છે કે આ ઝગડામાં અલ્તાફે ગુસ્સે થઇ અંકિતનું ગળુ દબાવી દીધું હતું. જ્યારે ગાડીમાં આવેલા દિલીપ ઉર્ફે દિલાવરે લોખંડની ટોમી લઇ તથા અજાણ્યા શખસે દંડો લઇ હુમલો કર્યો હતો. જેમાં અંકિતને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઉપરાંત ઘુંટીના ઉપરના ભાગે નળામાં પણ માર માર્યો હતો.આ કારણે થયેલ બુમાબુમથી આસપાસના લોકો દોડી આવતાં ત્રણેય ઈસમો ધમકી આપી ભાગી ગયાં હતાં. આ અંગે અંકિતકુમાર મહેન્દ્રભાઈ પટેલની ફરિયાદ આધારે બોરસદ પોલીસે અલ્તાફ દિલીપ ઉર્ફે દિલાવર મલેક, દિલીપ ઉર્ફે દિલાવર મલેક અને અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...