વિવાદ:બોરસદમાં અગાઉના ઝઘડાની રીસ રાખી યુવકને માર માર્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તારા કાકાને લીધે અમારે જેલમાં રહેવું પડ્યું તેમ કહી લોખંડની પાઈપ લઈ યુવક પર તૂટી પડ્યા

બોરસદ બસ સ્ટેન્ડ પર રાત્રિના ચ્હા પીવા ગયેલા યુવક પર બે ભાઈ અને તેમના બનેવીએ અગાઉના ઝઘડાની રીસ રાખી લોખંડની પાઈપથી હુમલો કરતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બોરસદના રબારી ચકલા ખાતે રહેતા 23 વર્ષીય મોઈનઅલી ઈદ્રીશઅલી સૈયદે બોરસદ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, બોરસદના વાવડી મહોલ્લા ખાતે રહેતા સલમાન મહોમ્મદ મલેક, તેના ભાઈ મોઈન મહમદ મલેક અને બનેવી જહાંગીર ઉર્ફે ગઠિયો ઈલ્યાસ પાવભાજીવાળા સાથે તેના કાકાને અગાઉ ઝઘડો થયો હતો. જે અંગેની ફરિયાદ તેમણે નોંધાવતા ત્રણેય જણાંને જેલમાં જવું પડ્યું હતું. દરમિયાન, તેઓ જેલમાંથી છૂટી ગયા હતા. પરંતુ આ બાબતની તેઓએ રીસ રાખી હતી. શનિવારે સાંજે સાડા દસ વાગ્યાની આસપાસ મોઈનઅલી બસ સ્ટેન્ડ પાસે ચ્હા પીવા માટે ગયો હતો ત્યારે ત્રણેય જણાં આવી પહોંચ્યા હતા અને તમારા લીધે અમારે જેલમાં જવું પડ્યું, આજે તો જાનથી મારી નાંખીશ તેમ કહી ધમકી આપી તેમણે યુવક પર લોખંડની પાઈપથી હુમલો કર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે બોરસદ શહેર પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...