રાશન લેવા અરજદારે ભારે કરી:બોરસદમાં અરજદાર બોગસ સિક્કા સાથેનું રેશનકાર્ડ લઈ મામલતદાર પાસે પહોંચ્યો, સહી ન હોવાથી ભાંડો ફૂટ્યો

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોરસદ મામલતદાર કચેરીમાં સસ્તુ અનાજ ન મળતું હોવાની ફરિયાદ લઇ આવેલો અરજદાર જ બોગસ નિકળ્યો હતો. મામલતદાર પાસે ફરિયાદ કરતા સમયે તેણે તેનું રેશનકાર્ડ બતાવ્યું હતું. આથી, શંકા જતા ઓનલાઇન તપાસ કરતાં એપીએલ કાર્ડ નિકળ્યું હતું. જોકે, કાર્ડ પર મામલતદારનો સિક્કો હતો પણ સહી નહોતી.આથી, શંકા લાગતા કાર્ડની ઉલટ તપાસ કરી હતી. જેમાં બોગસ સિક્કાનું કૌભાંડ બહાર આવતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

બોરસદ મામલતદાર કચેરી ખાતે 29મી ડિસેમ્બર,22ના રોજ બપોરના સમયે ભારત ધુળાભાઈ પઢીયાર (રહે. કણભા) આવ્યાં હતાં અને પોતાના રેશનકાર્ડ પર મામલતદારના સિક્કા કરેલા હોવા છતાંય અનાજ મળતું નથી. તેવી રજુઆત કરી હતી. મહત્વનું છે કે રેશનકાર્ડ જોતાં પ્રથમ પાના પર મામલતદાર બોરસદ તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 અગ્રતા ધરાવતું કુટુંબનો સિક્કો હતો. પરંતુ, તેમાં સહી નહોતી. આથી, કોમ્પ્યુટરના રેશનકાર્ડ નંબરથી ઓનલાઇન ચેક કરાવતા આ કાર્ડ નોન એનએફએસએ એપીએલ-1 કેટેગરીનું જણાયું હતું. આથી, અરજદાર ભારતને જણાવ્યું કે, તમારા રેશનકાર્ડ પર કોઇ અનાજ મળશે નહીં. તમારા રેશનકાર્ડ પર સિક્કો - સીલ કરેલા છે, તે તમે છેતરપિંડીથી સીલ કર્યા છે. તેમ જણાવતા અરજદાર ભારતે આ રેશનકાર્ડ પર સિક્કો અમને નરસિંહ ઉર્ફે નરેશ બાબુ પરમાર (રહે. કઠાણા) નામના વ્યક્તિ દ્વારા કરી આપ્યો હોવાનું કબુલ્યું હતું.

આથી, તેનું કાર્ડ જમા લઇ બોરસદ મામલતદાર આરતીબહેન ગૌસ્વામીને જાણ કરી હતી. તેઓએ અરજદાર અને છેતરપિંડી કરનારી વ્યક્તિને કચેરીએ હાજર કરવા જણાવ્યું હતું. આથી, 7મી જાન્યુઆરી,23ના રોજ મામલતદાર સમક્ષ નિવેદન લેતા ભારતભાઈએ તેના પુત્ર સોમાએ પર જવાબદારી ઢોળી હતી. આથી, સોમા ભારતભાઈ પરમાર (પઢીયાર)નું 9મી જાન્યુઆરી,23ના રોજ નિવેદન લેતા તેઓએ કબુલ્યું હતું કે, રેશનકાર્ડમાં એનએફએસએનો સિક્કો તેમજ મામલતદાર બોરસદના કલર પ્રીન્ટ કરેલો સિક્કો નરસિંહ ઉર્ફે નરેશ બાબુ પરમાર (રહે.ખુમાનપુરા) નામના વ્યક્તિએ કણભા મુકામે રૂ.3500 લઇને સિક્કો મારી આપ્યો છે. આ કબુલાત આધારે બોરસદ મામલતદાર આરતીબહેન ગોસ્વામીએ પોલીસ તપાસ માટે આદેશ કર્યો હતો. જેના પગલે પુરવઠા નાયબ મામલતદાર સોનુભાઈ સોમજીભાઈ બારીયાની ફરિયાદ આધારે વિરસદ પોલીસે સોમાભાઈ પઢીયાર અને નરસિંહ ઉર્ફે નરેશ બાબુ પરમાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...