યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો:બોરસદમાં સાપ પકડવા આવેલ યુવક સાથે પ્રેમસબંધ બંધાયો,યુવતી ગર્ભવતી બનતાં પ્રેમીએ તરછોડી દીધી

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસ વરસ મોટા યુવકના બે વર્ષથી પ્રેમમાં પડેલી યુવતી સાથે છેતરપિંડી
  • અભયમ દ્વારા લગ્નનું દબાણ કરતાં નફ્ફટ યુવકે ડીએનએ ટેસ્ટની માગણી કરી

બોરસદના કડાં ગામમાં રહેતી 22 વર્ષની યુવતીને નજીકના જ ગામમાં રહેતા તેનાથી દસ વર્ષ મોટા યુવક સાથે બે વર્ષ પહેલાં પ્રેમ થઇ ગયો હતો. આ પ્રેમમાં અંધ બનેલી યુવતીએ તેને સર્વસ્વ સોંપી દીધું હતું. જેના કારણે આઠેક મહિના પહેલા જ તે ગર્ભવતી થઇ હતી. જોકે, આ બાબતની યુવકને શંકા જતાં તેણે તેને તરછોડી દીધી હતી. બીજી તરફ યુવતીને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા મામલાનો ભાંડો ફુટ્યો હતો. જેના પગલે 181 અભયમની મદદ લેવામાં આવી હતી. અભયમની ટીમે યુવકને લગ્ન કરવાનું કહેતાં તેણે નફ્ફટ થઇને બાળકના ડીએનએ ટેસ્ટની માંગણી કરી હતી. જેથી યુવતીના પરિવારજનો પગ તળે પણ જમીન ખસી ગઈ હતી. આખરે આ મામલે પોલીસ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

બોરસદ પંથકના ગામમાં બે વર્ષ પહેલા સાપ નિકળ્યો હતો. આ સાપ પકડવા નજીકના ગામમાંથી એક યુવકને બોલાવવામાં આવ્યો હતો. આ યુવકે સાપને સિફતાપૂર્વક પકડી લીધો હતો. આ સમયે ત્યાં હાજર 20 વર્ષની યુવતી તે યુવકના પ્રેમમાં પડી હતી. યુવક – યુવતી વચ્ચે શરૂઆતમાં સામાન્ય વાતચીત બાદ અવાર નવાર મળવાનું શરૂ થઈ ગયું હતું. આ સમયે યુવકે લગ્ન સહિત અનેક મોટા વાયદા કરી યુવતીને ભોળવી હતી અને તેનો લાભ લઇ આઠેક મહિના પહેલા તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું.

આ દૂષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બની ગઈ હતી. જોકે, યુવતીને આ બાબતનો ખ્યાલ આવ્યો નહતો. પરંતુ યુવકને જાણ થઇ ગઈ હતી. આથી, તેને તેની સાથે મળવાનું ઓછું કરી નાંખ્યું અને ધીમે ધીમે સંપર્ક જ તોડી નાંખ્યો હતો. બીજી તરફ યુવતીની દિવસે દિવસે તબિયત લથડવા લાગી હતી. શરૂઆતમાં યુવતીએ પેટમાં ગાંઠ હોવાની વાત ઉપજાવી કાઢી હતી. તેના પિતાને પણ એવું જ લાગતું હતું. પરંતુ ગયા સપ્તાહે યુવતીની અચાનક તબિયત નાજુક બની હતી. આથી, તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તે ગર્ભવતી હોવાનું નિદાન કરતાં પરિવારજનો ચોંકી ગયાં હતાં.

આ અંગે યુવતીની પુછપરછ કરતાં તેણે સઘળી બાબત જણાવી હતી. આથી, યુવક સાથે લગ્ન કરાવવા પરિવારજનોએ તેનો સંપર્ક કર્યો હતો. જોકે, યુવક ગલ્લા તલ્લા કરતાં આખરે યુવતીએ 181 અભયમને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં તેઓએ પ્રથમ યુવતીની આપવીતી સાંભળી યુવકને લગ્ન કરાવવા જણાવ્યું હતું. પરંતુ યુવકે સંપૂર્ણ શરમ નેવે મુકી બાળક પોતાનું હોવા પર શંકા કરી ડીએનએ ટેસ્ટ કરવા કહ્યું હતું. નફ્ફટાઇની હદ ત્યાં થઇ યુવકે ડીએનએ ટેસ્ટમાં બાળક પોતાનું હોય તો સ્વીકારવા તૈયારી દર્શાવી હતી. પરંતુ યુવતી સાથે લગ્ન કરવાની ધરાર ના પાડી દીધી હતી. આથી, અભયમની ટીમે કાયદાકીય દંડુકો ઉગામતાં યુવક સામે પોલીસ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...