એકશન મોડમાં:બોરિયાવીમાં વેરો નહીં ભરતા 17 લોકોના નળ જોડાણ કપાયા

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂા 3.50 કરોડના બાકી વેરાની વસુલાત શરૂ

આણંદ નજીક આવેલી બોરિઆવી નગર પાલિકામાં રૂા 3.50 કરોડના વેરાની વસુલાત ચોપડે બાકી પડે છે.ત્યારે બોરીયાવી પાલિકા તંત્ર એકશન મોડમાં આવી જઈને વેરા વસુલાત હાથ ધરવામાં આવતા શુક્રવારે વર્ષોથી બાકી વેરો રકમ ભરપાઈ નહીં કરતા કુલ 17 મિલ્કત ધારકોના નળ કનેકશન કાપી નાંખ્યા છે. જોકે આગામી દિવસો સરકારી ઓફિસો સહિત અન્ય બાકીદારોના વેરો બાકી પડતો હશે તો મિલ્કત જપ્તી સહિતની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. બોરીઆવી પાલિકામાં રૂ. 3.50 કરોડ વિવિધ વેરા વસુલાત બાકી પડે છે.ત્યારે અત્યાર સુધીમાં પાલિકામાં માત્ર રૂ.54 લાખ વેરાની આવક થઇ હતી.

આથી પાલિકા તંત્રએ એકશન મોડમાં આવી જઈને શુક્રવારે રૂ. 2.96 કરોડ વેરા વસુલાત બાકી પડતી હોઈ તેમજ વીજતંત્રએ પાલિકા સ્ટ્રીટ લાઇટોનુ વીજ કનેકશન તાજેતરમા કાપી નાંખીને બાકી પડતી તમામ રકમ ભરપાઇ કરી દેવા નોટીસ ફટકારી છે.જેના ભાગરૂપે બોરીઆવી નગર પાલિકા હરકતમાં આવી જઈને શુક્રવારે કુલ 17 જેટલા મિલકત ધારકોના નળ કનેકશન કાપી નાંખવામાં આવ્યાં હતા.

જયાં સુધી વેરો રકમ ભરપાઇ કરવામાં નહીં આવે ત્યાં સુધી પાણીનુ કનેકશનનું જોડાણ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. રાજય સરકારે વેરા વસુલાત 100 ટકા હાથ ધરવાનો આદેશ કર્યો હોવાથી બોરીઆવીમાં આવેલી સરકારી સ્કુલ,આંગણવાડી ,સીટી સર્વેની કચેરી સહિત અન્ય સરકારી કચેરીનો રૂ.9.58 લાખ વેરા વસુલાત બાકી પડતી હોય નળ કનેકશન કાપી નાંખવા સહિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે બોરિઆવી પાલિકા ચીફ ઓફિસર સોલંકીએ જણાવ્યું હતું કે, બોરીઆવીમાં વેરા વસુલાત તેજ બનાવી છે. તમામ બાકીદારોને નોટિસ ફટકારીને કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...