કેરી તોડવા જતા મોત મળ્યું:ભાલેજ ગામે આંબા પર કેરી તોડી રહેલા વૃદ્ધ પાસેનો સળિયો વીજ વાયરને અડી જતા જીવ ગુમાવ્યો

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

આણંદના ભાલેજ ગામમાં ચકલાસી રોડ પર આવેલા પ્રમુખ પૂજન રેસીડેન્સીમાં આવેલા આંબાના ઝાડ પર આંકડી લઇને વૃદ્ધ કેરી તોડવા ચડ્યા હતાં. આ સમયે તેઓની આંકડી ભુલથી ત્યાંથી પસાર થતાં વીજ વાયરની અડી જતાં સ્પાર્ક થયો હતો અને જોરદાર વીજ શોક લાગતા ઘટના સ્થલે જ મોત નિપજ્યું હતું. આ અંગે ભાલેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાલેજ ગામના ચકલાસી રોડ પર આવેલા પ્રમુખ પૂજન રેસીડેન્સીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા નટુભાઈ કરશનભાઈ પ્રજાપતિ (ઉ.વ.65, મૂળ રહે. મહેસાણા) ત્યાં જ રહે છે. તેઓ રવિવાર સવારના આઠ વાગ્યાના આસપાસના સમયે સોસાયટી નજીકમાં આવેલા આંબાના ઝાડ પર આકડી લઇને કેરી તોડવા માટે ચડ્યાં હતાં. આ સમયે અચાનક તેમની આકડી આંબા નજીકથી પસાર થતાં વીજ વાયરને અડી ગઈ હતી. જેના કારણે જોરદાર ધડાકો થયો હતો અને નટુભાઈને વીજ શોક લાગતાં જમીન પર પછડાયાં હતાં અને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી. આ અંગે ભાલેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...