હત્યારો પતિ:આણંદના પંડોળીમાં આડા સંબંધના વ્હેમમાં પત્નીની હત્યા કરી પતિએ દવા પીધી

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીમના ખેતરમાં પત્નીની લોહી લુહાણ હાલતમાં લાશ મળી
  • પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

પેટલાદ તાલુકાના પંડોળી ગામે લગ્નના વીસ વર્ષ બાદ એકાએક પતિને પત્ની પર આડા સંબંધનો વ્હેમ પડ્યો હતો અને બુધવારની સવારે સીમ વિસ્તારના ખેતરમાં ધારદાર હથીયારના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. જોકે, બાદમાં તેણે દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

પેટલાદના પંડોળી ગામે રહેતા મહેશ મોહનભાઈ સોલંકીના લગ્ન વિસેક વર્ષ પહેલા મંગુબહેન (ઉ.વ.51) સાથે થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને છ દિકરીઓ અને બે દિકરાનો જન્મ પણ થયો હતો. જોકે, તમામ દિકરી અને એક પુત્રના લગ્ન પણ થઇ ગયાં હતાં. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી મહેશ સોલંકીને કોઇ કારણસર મંગુબહેન પર આડા સંબંધનો વ્હેમ પડ્યો હતો અને અવાર નવાર ઝઘડો કરતો હતો. જેમાં બે અઢી વર્ષ પહેલા મંગુબહેન રીસાઇને પિયર પણ ગયાં હતાં અને ઝઘડા કરતાં હોવાનું જણાવ્યું હતું. પરંતુ સમાધાન કરી ફરી સાસરિમાં રહેવા જતાં રહ્યાં હતાં.

દરમિયાનમાં બુધવારના રોજ મહેશભાઈ સીમ વિસ્તારમાં દવા પીધેલી હાલતમાં મળતાં તેમને ઘરે લાવવામાં આવ્યાં હતાં. જ્યારે મંગુબહેનની તપાસ કરતાં તેમની લાશ લોહી લુહાણ હાલતમાં પંડોળી ગામના કોવાણીયા સીમ વિસ્તારમાં શેઢા નજીક મળી આવી હતી. તેમના મોઢાના ભાગે લોહી સુકાઇ ગયું હતું અને કાળુ પડી ગયું હતું. જમણા લમણા પર ધારદાર હથિયારનો ઊંડો ઘા જોવા મળ્યો હતો. આ ઉપરાંત શરીરના અન્ય ભાગે પણ ધારદાર હથિયારથી ઘા કર્યાના નિશાન મળી આવ્યાં હતાં. આ હત્યા પાછળ મહેશ મોહન સોલંકી જ હોવાનું જણાયું હતું. આથી, પેટલાદ ગ્રામ્ય પોલીસે મૃતક મંગુબહેનના ભાઈ રમેશ પરમારની ફરિયાદ આધારે મહેશ મોહન સોલંકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...