આણંદમાં રહેવાસી તેમજ હાલ વિદેશમાં રહેતા પરિવારની વડિલોપાર્જીત કિંમતી જમીન કુટુંબી કાકાના પુત્રોએ અન્ય વરસદારોની જાણ બહાર બારોબાર 1.11 કરોડમાં વેચી દીધી હતી. આ અંગે શહેર પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
આણંદ શહેરના નાના અડદમાં કસુજીની ખડકીમાં રહેતા નવીનચંદ્ર છોટાભાઈ પટેલ અમેરિકાનું નાગરીત્વ ધરાવે છે. તેમના કુટુંબી કાકા હરિભાઈ ભવાનભાઈ પટેલના પુત્ર મુકેશ હરિભાઈ પટેલ, અંજેશ હરિભાઈ પટેલ (બન્ને રહે. યોગી તિલક સોસાયટી, આણંદ) અને જાગૃતિબહેન હરિભાઈ પટેલ (રહે.લીંબાસી, માતર) છે. આ પરિવારની વડીલોપાર્જીત બાપ - દાદાની પેઢીઓથી ચાલી આવતી સંયુક્ત માલીકી કબજા ભોગવટાવાળી જમીન ટીપી 1માં ફાઇલ પ્લોટ નં.129 છે. જેમાં આશરે 155 વ્યક્તિના નામ પ્રોપર્ટી કાર્ડમાં દર્શાવે છે. આ સંયુક્ત માલીકીની તેમજ વડિલોપાર્જીત કબજા ભોગવટાની જમીન 31મી જુલાઇ, 2019ના રોજ વેચાણ દસ્તાવેજ થયો હતો.
આ અંગે નવીનચંદ્ર પટેલને જાણ થતાં તેઓેએ તપાસ કરતાં મુકેશ હરિભાઈ પટેલ, અંજેશ હરિભાઈ પટેલ અને જાગૃતિબહેન હરિભાઈ પટેલે સહી કરી હતી. આ ત્રણેય ભાઈ બહેન ભેગા મળી પોતાનો હિસ્સો નક્કી થયેલો ન હોવા છતાં પુરેપુરી જમીન બાબગીરી ભવરગીરી ગોસ્વામી, ચંદ્રેશ રમેશભાઈ પટેલ, પ્રિતેશ મહેશભાઈ પટેલ, બીનીતાબહેન મીનેષકુમાર શાહ, પ્રશાંતગીરી રમેશગીરી ગોસ્વામીને રૂ.1.11 કરોડમાં વેચાણ આપી દીધી હતી.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આમ, ત્રણેય ભાઈ બહેને પોતાનો હિસ્સો નક્કી નહીં થયેલો હોવા છતાં ઇરાદાપૂર્વક બીજા સહમાલીકોનો હિસ્સો ડૂબાડી તેમની સંમતિ વિના પોતાના જ ઘરના ભેગા મળી કાવતરૂ રચી અને વેચાણ કરી બાકીના સહમાલીકો સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી વેચાણની રકમનો હિસ્સો અંદરોઅંદ વેચી દીધો હતો. આ અંગે શહેર પોલીસે મુકેશ હરિભાઈ પટેલ, અંજેશ હરિભાઈ પટેલ અને જાગૃતિબહેન હરિભાઈ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણેય ભાઈ - બહેન સામે અલગ અલગ ચાર ફરિયાદ નોંધાઇ
આણંદના નાના અડદમાં રહેતા નવીનચંદ્ર પટેલની વડિલોપાર્જીત જમીનમાં હિસ્સો હોવા છતાં તેમના કુટુંબી મુકેશ, અંજેશ અને જાગૃતિબહેન પટેલે બારોબાર વેચી દીધી છે. આ જમીનમાં ટીપી સ્કીન નં.1ના ફાઇનલ પ્લોટ નં.129 ઉપરાંત સર્વે નં.2623 વાળી જમીનનો અડધો ભાગ તા.11મી નવેમ્બર,2008ના રોજ સિકંદર ઇસ્માઇલભાઈ વ્હોરા (રહે.મહેમદાવાદ)ને વેચી હતી. તેવી જ રીતે 9મી સપ્ટેમ્બર,1988ના રોજ સર્વે નં.2774 અને 2776ને વેચી હતી. જ્યારે 88 લાખમાં સર્વે નં.2132ની જમીન 30મી ડિસેમ્બર,2017ના રોજ વેચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.