રોડ ખખડધજ બન્યો:આણંદમાં રાજશિવાલય પાછળના રસ્તા પર મસમોટા ખાંડાથી હાલાકી, વાહન ચાલકોમાં અકસ્માતનો ભય

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોરસદ ચોકડી પર ઓવરબ્રિજ બનવાના કારણે ડાયવર્ઝન આપવામાં આવતાં દરરોજ પાંચ હજાર વાહનો પસાર થાય છે

આણંદ શહેરના રાજશિવાલય પાછળ આવેલો આરસીસી રોડનું સંપૂર્ણ ધોવાણ થઇ ગયું છે. જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાડાઓના કારણે વાહનો પડતાં કેટલીય વ્યક્તિને ઈજા પણ પહોંચી છે. વળી અહીં ડાયવર્ઝન આપેલ હોઈ રોજના હજારો વાહનો અહીંથી પસાર થાય છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, અહીંથી અધિકારીઓના પણ વાહનો પસાર થાય છે. આમ છતાં રિપેરીંગ માટે કોઇ તસ્દી લેવામાં આવી રહી નથી.

આઠ વર્ષ પહેલા જ આરસીસી બનાવવામાં આવ્યો હતો
આણંદ શહેરમાં બોરસદ ચોકડી પર ઓવરબ્રિજ બનવાના કારણે શહેરમાં સરળતાથી અવર-જવર કરવા માટે રાજશિવાલયથી અમીન ઓટોના રસ્તાને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. આ રસ્તા સાથે જ જોડાયેલો રાજશિવાલય પાછળના રસ્તા પર રોજના 5 હજારથી વધુ વાહનોની અવર જવર વધુ રહે છે. આ રસ્તો હજુ આઠેક વર્ષ પહેલા જ આરસીસી બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેમાં ભારે ભ્રષ્ટાચારના કારણે થોડા વરસોમાં જ ધોવાઇ ગયો હતો અને ખાડા પડવા લાગ્યાં હતાં.

વાહનચાલકો સહિત લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં
આ ઉપરાંત આ માર્ગ ડાયવર્ઝન જાહેર થયા બાદ અહીંથી એસટી, ડમ્પર સહિત ભારે વાહનો પસાર થતાં આ રસ્તા પર મસમોટા ખાડાં પડી ગયાં છે. સામાન્ય ટુ વ્હીલરને પસાર થવું એટલે અકસ્માતને નોતરું આપવા બરાબર બની ગયું છે. આસપાસની સોસાયટીના રહિશો તોબા પોકારી ગયાં છે કારણ કે તેમને દરરોજ અહીંથી પસાર થવું પડે છે. આ ખાડામાં ભરાયેલા વરસાદી પાણીના કારણે પણ એટલી જ હાલાકી ભોગવવી પડે છે. અજાણ્યા વાહન ચાલકો તો રિતસર ફસડાઇ પડે તેટલા મોટા ખાડાં પડી ગયાં છે. અહીંથી અધિકારીઓના વાહનો પણ પસાર થવા છતાં કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. જેના કારણે રોષની લાગણી જન્મી છે.

મહત્વનું છે કે, આ માર્ગનુ ઈ -લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું. વળી અહીં આરસીસી માર્ગ ખખડધજ થતા તે માર્ગ ઉપર ડામરનો પાથરો કરવામાં આવ્યો છે.જે પણ વારંવાર તૂટી જાય છે.છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ સમસ્યા ખૂબ વકરી છે.આ વિસ્તારની જનતા હવે આ કાયમી સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠી છે.
​​​​​​​દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે
આણંદ શહેરના રાજ શિવાલય પાછળ આરસીસી રોડ જાણે નધણીયાતો હોય તેમ દબાણોનો પણ ખડકલો વધતો જઇ રહ્યો છે. અહીં આડેધડ બાંધકામોના કારણે રસ્તો દિવસે દિવસે સાંકડો બની રહ્યો હોવાની ફરિયાદો પણ ઉઠી છે. અવકૂડા અને પાલિકા દ્વારા આ રસ્તાની માપણી કરી દબાણો હટાવવા માંગણી પણ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...