સાંસદની કાર્યવાહી:આણંદમાં ગેરકાયદે દબાણો અને ખનીજ ચોરી મામલે સાંસદે અધિકારીઓને આડે હાથ લીધા

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓને કડકાઈથી કામ લેવા અને ચોમાસાને લઇને કાંસ-નાળાની સફાઇ કરાવવા જણાવ્યું

આણંદ કલેકટર કચેરી ખાતે સાંસદ મિતેષભાઇ પટેલના અધ્‍યક્ષસ્‍થાને સરકીટ હાઉસ ખાતે જિલ્‍લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક મળી હતી. જેમાં ગેરકાયદેસર દબાણો અને ખનીજ ચોરીનો મુદ્દો ગાજયો હતો. વળી આ મુદ્દે સાંસદ મિતેષભાઈ પટેલે અધિકારીઓને આ મુદ્દે શેહશરમ, ભલામણ કે ઢાંકપીછોડ કર્યા વિના કડકાઈથી કામ લેવા તાકીદ કરી હતી.

ચરોતરમાં ચોમાસાના આગમનની ઘડીઓ જ ગણાઈ રહી છે. સરકારે પણ પ્રિ-મોન્સૂન કામગીરી માટે બેઠક યોજી અધિકારીઓને પાણી ભરાતા હોય તેવી જગાના ગેરકાયદે દબાણો દૂર કરવા તાકીદ કરી હતી. બીજી તરફ ખનીજ ચોરીના બનાવો છતાં ખાણ ખનીજ વિભાગની ઢાંકપીછોડા નીતિ સરકારની શાખને ખરડી રહી છે. સાંસદ મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સરકીટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની મળેલ બેઠકમાં આ મુદ્દે સાંસદ દ્વારા અધિકારીઓને આડે હાથ લીધા હતા.

સાંસદે જિલ્લામાં કોઇપણ જગ્યાએ ગેરકાયદે દબાણ હોય તો તેવા તમામ ગેરકાયદે દબાણો દૂર કરવાની સંબંધિત અધિકારીઓને સૂચના આપી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઇ પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે કાંસ-નાળાની સમયસર સાફ-સફાઇ તે જોવા પણ જણાવ્યું હતું. તેમજ જિલ્લામાં થતી ખાણ-ખનીજની ચોરી કોઇ સંજોગોમાં ચલાવી ન લેવાની સાથે આવી ચોરી કરતાં હોય તેઓની સામે કડકાઇથી કામ લેવા સંબંધિત અધિકારીને તાકીદ કરી હતી.

બેઠકમાં સાંસદ દ્વારા કેન્દ્ર-રાજય સરકાર પુરસ્કૃત અને જિલ્‍લા ગ્રામ વિકાસ એજનસી દ્વારા અમલી એવી વિવિધ 42 પ્રકારની યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલ કામગીરી ઉપરાંત સાંસદ આદર્શ ગ્રામ યોજનાઓની ડિસેમ્બર-2021 સુધીમાં કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જિલ્લામાં કરાયેલ કામગીરી પ્રતિ સંતોષ વ્યકત કરી ટેન્ડરીંગની પ્રક્રિયા પણ સમયસર પૂરી થાય તે જોવા પર ભાર મૂકયો હતો. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ સાંસદ અને ધારાસભ્યો દ્વારા સુચવાયેલા સૂચનોને ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને જણાવી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તેના પર ભાર મૂકયો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિભાઇ સોઢાપરમાર અને નિરંજનભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ, નિવાસી અધિક કલેકટર કે. સી. વ્યાસ, જિલ્લા આયોજન અધિકારી જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સહિત જિલ્લાની નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...