જાન્યુઆરી પ્રારંભથી આણંદ જિલ્લામાં 8 દિવસમાં 531 કોરોના કેસ નોંધાયા છે. જેને જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીની સુચના અનુસાર આણંદ શહેર સહિત તાલુકામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાવાસીઓની સ્ક્રિનીંગ કામગીરી શરૂ કરાઇ છે. આણંદ શહેરમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, મૉલ સહિત ભીડભાડવાળી જગ્યાઓ પર સ્પેશીયલ આરોગ્યની ટીમો મુકીને શંકાસ્પદ જણાતાં લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
આ ઉપરાંત હાઇરિસ્ક વિસ્તાર એટલે જે વિસ્તારમાં કોરોનાના વધુ કેસ મળ્યા હોય તે વિસ્તારમાં ટીમો ગોઠવીને ઘેર ઘેર સર્વે કરવામાં આવી રહ્યો છે. એક દિવસમાં 200 થી વધુ ઘરોમાં સર્વે કરવામાં આવશે. આણંદ શહેરમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર, પીએચસી સેન્ટરની ટીમ અને આરોગ્ય ટીમ દ્વારા આગામી એક સપ્તાહમાં શહેર સહિત તાલુકાના ગામોનું સ્ક્રિનીગ કામગીરી કરવામાં આવશે.
ઘેર ઘેર ફરીને લોકોના આરોગ્યની ચકાસણી કરાશે. સાથે સાથે જે વિસ્તારમાં વધુ પોઝિટિવ કેસ આવ્યા છે તેવા વિસ્તારમાં સ્પેશીયલ ટીમો ઉતારીને જે ઘરમાં કોરોના પોઝિટીવ આવ્યો હોય તેના આસપાસના વિસ્તારમાં રહેતા તમામ લોકોને ચકાસીને શંકાસ્પદ જણાય તો આરટીપીસીઆર કે રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
મોટા મોલ, રેલવે અને બસ સ્ટેશન પર કોરોના ટેસ્ટની વ્યવસ્થા કરાઇ
આણંદ, વિદ્યાનગર અને કરમસદમાં ભીડભાડવાળા વિસ્તાર જેવા કે મોટા મોલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં આરટીપીસીઆર અને રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. એક સેન્ટર દીઠ 50 થી 60 વ્યકિતના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. તેમજ શંકાસ્પદ લક્ષણો જણાય તો તેઓને દવાઓ આપવામા આવી રહી છે. વિદેશથી આવેલા લોકોને 7 દિવસ હોમ કોરોન્ટાઇન રાખવાની સાથે તેમના સ્વાસ્થયની ચકાસણી કરવામાં આવી રહી છે.> ડો. રાજેશભાઇ પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વિદ્યાનગર
સ્ક્રિનીંગ કામગીરી માટે ટીમો કામે લગાડી
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી એમ. ટી. છારીએ જણાવ્યું હતું કે, આણંદ તાલુકામાં સ્ક્રિનીંગ કામગીરી માટે જુદી જુદી ટીમો કામે લગાડી છે. 100થી વધુ કર્મચારીઓ સહિત અન્ય સ્ટાફની મદદથી કોરોના પોઝિટીવ કેસ આવ્યો હોય કે કોઇ વિદેશથી આવ્યું હોય તેવા વિસ્તારમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે. કોવિડ ગાઇડ લાઇનનું પાલન થાય છે કે નહીં તેમજ 7 દિવસ પીરિયડ જળવાય છે કે કેમ તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આણંદ તાલુકામાં કોરોના સંક્રણને કાબુ લેવા માટે આગામી દિવસોમાં વધુ ઘરોમાં સર્વે કરવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.