આણંદ શહેરમાં રખડતાં પશુઓની સંખ્યા 3 હજારથી વધુ છે. જેના કારણે શહેરના સ્ટેશન રોડ, અમુલ ડેરી રોડ,100 ફૂટ રોડ,ગણેશ ચોકડી, જૂના રસ્તા, બોરસદ ચોકડી સહિતના વિસ્તારમાં રખડતાં પશુઓ જાહેર માર્ગ પર વહેલી સવારે અડીંગો જમાવીને બેસી જતાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ પડે છે. કયારેક રખડતાં પશુઓ રાહદારીઓને અડફેટમાં લેતા ઇજા થવાના બનાવો બંને છે.
છેલ્લા ત્રણેક માસમાં રખડતાં પશુઓને કારણે કુલ બે વ્યકિતના મોત નિપજયાં હતા. પાલિકા દ્વારા આખરે છ માસ બાદ રખડતી ગાયો પકડવા માટે કોન્ટ્રાકટર કામ શરૂ કર્યુ હતું. અગાઉ ચાર ગાયો પકડી હતી. પરંતુ માલધારીઓ કોન્ટ્રકટરના માણસોને ધમકી આપતાં હોય છે.જેથી કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ બંદોબસ્તના નહી આપતાં આખરે કોન્ટ્રાકટરે સ્વ ખર્ચે બંદોબસ્ત મેળવીને ગાયો પકડવાની કામગીરી કરવાનો વખત આવ્યો છે.
આ અંગે ઢોર પકડનાર કોન્ટ્રાકટરે વિનોદભાઈએ જણાવ્યું હતું કે શહેરમાં રખડતી ગાયો પકડવા માટે અમારી ટીમો દરરોજ માર્ગ પર નીકળતાની સાથે માલધારીઓનું ટોળુ એકત્ર થઇ જતું હોય છે. અમોને ધમકી આપે છે કે અમારી એક પણ ગાય પકડશે નહીં તો તારા માણસને અમે મારી શું નહીં. આથી અમોએ પોલિસ બંદોબસ્ત માંગણી કરી હોવા છતાં પાલિકાએ બંદોબસ્ત નહી આપતાં અમારે ના છુટકે સ્વ ખર્ચે પોલીસ બંદોબસ્ત લાવવાની ફરજ પડી હતી.
અમારે ભયના ઓથાર હેઠળ રખડતી ગાયો પકડવાની ફરજ પડે છે.આ અંગે પાલિકાના સીઅો અેસ.કે. ગરવાલે જણાવ્યું હતુ કે, આણંદના શાસ્ત્રી મેદાન વિસ્તારમાંથી બે રખડતી ગાયો પકડવામાં આવી છે. જો કે માલધારીઓ ગાયો છુટ્ટી મુકવાના બદલે બાંધી રાખે તો અમને કોઇ વાંધા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.