તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્દયતાની હદ વટાવી:આણંદમાં નરાધમોએ ત્રણ ગૌ વંશ પર એસિડ એટેક કર્યો, બે પશુના મોત એક સારવાર હેઠળ

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક આખલો, એક નાની વાંછરડી અને એક ગાય પર એસિડ એટેક
  • અતિશય દાઝી જવાથી બે પશુઓના મોત થતાં ગૌ સેવક કાર્યકરોમાં ભારે આક્રોશ

આણંદમાં અજાણ્યા નારાધમોએ મુંગા ગૌ વંશ ઉપર નિર્દયી અત્યાચાર કર્યાની ઘટના સામે આવી છે. શહેરની ત્રણ જાહેર જગ્યા ઉપર ગૌ વંશ પર અજાણ્યા નારાધમોએ એસિડ એટેક કરતા નગરજનો અને ગૌ સેવકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. વળી આ એસિડ એટેકથી પીડિત બે ગૌ વંશનું મોત થતા ગૌ સેવકો આંદોલિત થયા છે. નગરમાં ગૌ વંશને છુટા મૂકતા પશુપાલકો અને નગરપાલિકા તંત્ર આ બાબતે કોઈ નક્કર આયોજન કરે તેમ નગરના જીવદયા પ્રેમીઓ જણાવી રહ્યા છે.

આણંદના હાર્દ સમાં વિસ્તારમાં દયાહીન ઈસમો નિર્દોષ ગૌ વંશ ઉપર અમાનવીય અત્યાચાર આચરી રહ્યા છે. આણંદ જીઆઈડીસી નવાપુરા તળાવ પાસે તેમજ બાકરોલ ગેટ પાસે અને ગણેશ ચોકડી નજીક ઉમંગ પાર્ટી પ્લોટ પાસે ફરતા ગૌ વંશ પર એક સમાન પધ્ધતિએ એસિડ એટેક અચરવામાં આવ્યો હતો. જેમાં એક આખલો, એક નાની વાંછરડી અને એક ગાય એમ ત્રણ ગૌ વંશ ગંભીર રીતે દાઝી થયા હતા.

એસિડથી ગંભીર રીતે દાઝી ગયેલા અને દુઃખ થી કણસતા ત્રણેય ગૌ વંશને ગૌ સેવકો સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં પશુ ચિકિત્સક દ્વારા સારવાર આપવામાં આવી હતી. જોકે, એસિડ એટેકને લઈ ગૌ વંશને શરીરના આંતરિક ભાગોમાં જ એટલું મોટું નુકસાન થયેલ હતું કે આખલો અને વાંછરડીની યોગ્ય આધુનિક સારવાર છતાં મૃત્યુ નીપજ્યું છે. આ કારણે ગૌ સેવક કાર્યકરોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.

આ બાબતે વાત કરતા ગૌ સેવક આકાશ રાવે જણાવ્યું હતું કે, આણંદમાં સમયાંતરે ગૌ વંશ ઉપર નિર્દયી અત્યાચારનો કાંકરીચાળો થતો રહે છે. પશુપાલકો આ અંગે ગંભીર નથી અને નગરપાલિકા તંત્ર પણ કોઈ નક્કર પરિણામલક્ષી પગલાં ભરી રહ્યું નથી. આ પરિસ્થિતિ ચિંતાજનક રીતે વધી રહી છે. હાલ અમારી ગૌશાળામાં ગંભીર રીતે ઘાયલ અને અશક્ત 20થી વધુ ગૌ વંશ છે. અમે સરકારીને આ બાબતે કાયદાકીય જોગવાઈ મુજબ પગલાં લેવા અનુરોધ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...