ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:આણંદમાં ઈરફાને પેઢી માટે ભૂતિયા સરનામું બતાવ્યું જીએસટી અધિકારીઓની સ્થળ તપાસમાં પોલમપોલ

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેરોલ ચેમ્બર્સ વિશે સ્થાનિક લોકો પણ અજાણ !!! - Divya Bhaskar
કેરોલ ચેમ્બર્સ વિશે સ્થાનિક લોકો પણ અજાણ !!!
  • આણંદ જીએસટી વિભાગ કહે છે, ડોક્યુમેન્ટ્સની ખરાઈ અને સ્થળ નિરીક્ષણ કર્યા પછી 30 દિવસમાં જીએસટી નંબર ઈશ્યુ થાય
  • આણંદમાં તપાસનો રેલો : 10 પેઢી બનાવી 83 કરોડના બોગસ બિલિંગનું કૌભાંડ
  • મહેમદાવાદના શખસે તારાપુર ખાતે રહેતા બનેવીના ડોક્યુમેન્ટસનો ઉપયોગ કરી તેમના નામથી આણંદમાં બિઝનેસ શરૂ કરી કરોડોના બોગસ વ્યવહાર કરતા પોલીસ કાર્યવાહી

બોગસ 10 પઢી બનાવી 83 કરોડના બોગસ બિલિંગના કાૈભાંડમાં જીઅેસટી વિભાગની પોલ પણ ખૂલી પડી છે. મહેમદાવાદ ખાતે રહેતાં ભંગારના વેપારી એવા ભેજાંબાજ ઈરફાન કાઝીએ તેના બનેવીના પાન-આધાર કાર્ડનો ઉપયોગ કરીને 83 કરોડના બિલ ઈશ્યુ કરી 15 કરોડની વેરાશાખ અન્ય બેનીફિશીરીઓને પાસ ઓન કરી છેતરપિંડી કરી હોવાની વિગતો પ્રકાશમાં આવતા પોલીસે શખસની ધરપકડ કરી રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ હાથ ધરી છે.

ત્યારે બીજી તરફ શખસે તેના વ્યવસાયનું સ્થળ જે બતાવ્યું છે તે આણંદ શહેરમાં હોવાનું ક્યાંય પ્રસ્થાપિત જ થતું નથી. આમ, જીએસટીના અધિકારીઓની કામગીરીને લઈને પણ અનેક શંકા-કુશંકાઓ ઊભી થઈ છે. જીએસટી નંબર લેવા માટેની પ્રોસિઝર શું છે તે જાણવા માટે આણંદ જીએસટી વિભાગ સ્થિત સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર હિતેશ દવેની મુલાકાત લેવામાં આવી હતી.

જ્યાં એડીએમને મળવા માટે જણાવતાં તેઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, નવો ધંધો સ્થાપતી વખતે જીએસટી નંબર લેવો હોય તો જે તે કંપની-એજન્સી સાથેના કોન્ટ્રાક્ટ લેટર સહિત આધાર-પાન કાર્ડ સહિતના પુરાવા આપીને ઓનલાઈન અરજી કરવાની હોય છે. જોકે, આ માટેની કોઈ ફી હોતી નથી. ઓનલાઈન અરજીમાં તમામ અપલોડ કરેલા ડોક્યુમેન્ટસની ચકાસણી કર્યા બાદ સ્ટેટ કે પછી સેન્ટ્રલ કચેરીના અધિકારીઓ દ્વારા સ્થળ વિઝીટ કરવામાં આવે છે અને તેમાં જો કંઈ વાંધાજનક ન જણાઈ આવે તો જ 30 દિવસ બાદ જીએસટી નંબર ઈશ્યુ કરાતો હોય છે.

મહત્વની બાબત એ છે કે, આણંદમાં સોહમ સ્ટીલ ટ્રેડર્સ નામે ઈરફાને જે બિઝનેસનું સ્થળ બતાવ્યું છે તે જ ભૂલભરેલું, અલબત્ત ભૂતિયા હોવાનું જણાઈ આવે છે. જેને પગલે સ્ટેટના કે પછી સેન્ટ્રલના ક્યાં અધિકારી દ્વારા સ્થળ વિઝીટ કરવામાં આવી અને સ્થળ વિઝીટ કરાઈ તો પછી અધિકારીઓને કેમ તેમાં વાંધો ન દેખાયો અને શખસને જીએસટી નંબર ક્યા આધાર પર ઈશ્યુ કરી દેવાયો તે બાબત હાલ તપાસનો વિષય છે.

કેરોલ ચેમ્બર્સ વિશે સ્થાનિક લોકો પણ અજાણ !!!
જીએસટી પોર્ટલમાં ઓનલાઈન જીએસટી નંબર નાંખવામાં આવે એ પછી જે તે વ્યક્તિના પેઢીનું નામ-સરનામું સહિતની વિગતો ખુલતી હોય છે. ઈરફાને તેના ધંધાનું નામ સોહમ સ્ટીલ ટ્રેડર્સ આપ્યું હતું. અને 19મી જુલાઈ 2018માં વ્યવસાય શરૂ કર્યો હતો. હાલમાં સમગ્ર છેતરપિંડી પકડાતા સમગ્ર જીએસટી નંબર કેન્સલ કરી દેવાયો છે. જોકે, સરનામામાં જે વિગત બતાવી છે તેમાં ઓલ્ડ સ્ટેન્ડ અને કેરોલ ચેમ્બર્સ બીજા માળે એવી હકીકત બતાવી છે. આણંદમાં સ્થાનિક લોકો પણ કેરોલ ચેમ્બર્સ વિશે જાણતા નથી.

​​​​​​​વધુમાં જે સરનામું બતાવ્યું છે પણ જાણે અધુરૂં હોય તેવું છે. કારણ કે, ઓલ્ડ સ્ટેન્ડ એવુ બતાવ્યું છે જે સરનામું અધુરૂ હોય તેવું છે. આણંદમાં જૂનું બસ સ્ટેન્ડ આવેલું છે પરંતું તેની આસપાસ કોઈપણ જગ્યાએ કેરોલ ચેમ્બર્સ નામની કોઈ બિલ્ડિંગ આવેલી નથી. આમ, અધિકારીઓએ પણ તપાસ કરી ન હોવાનું બહાર આવ્યું છે.

અત્યાર સુધી બોગસ બિલીંગમાં 98 આરોપીઓની ધરપકડ કરાઈ
માસ્ટર માઈન્ડ ઈરફાન કાઝીએ ગુજરાતમાં 10 બોગસ પેઢી ઊભી કરી 15 કરોડની વેરાશાખ અન્ય બેનીફીશરીઓને પાસ ઓન કર્યા હોવાનું ખૂલ્યું છે. ત્યારે બીજી તરફ જીએસટી કાયદો અમલમાં આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે વર્ષ 2017થી લઈ છેક અત્યાર સુધીમાં આ પ્રકારની સરકાર સાથે છેતરપિંડી કરવાના ગુનામાં 98 આરોપીઓની 2 ધરપકડ કરવામાં આવી છે. અને કરોડો રૂપિયાની મત્તા પકડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...